Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વર્લ્ડ યુથ(અન્ડર-૧૬) ચેસ ઓલમ્પીયાડ ટુર્નામેન્ટ શરૃ

શહેરમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટઃ ૧૦-૨૦ ડિસેમ્બર ૨૦૧૭ દરમ્યાન કર્ણાવતી કલબમાં ટુર્નામેન્ટ : વિવિધ દેશોના ૩૦૦થી વધુ ખેલાડીઓ જોડાયા

અમદાવાદ,તા. ૧૧, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ફીડે(વર્લ્ડ ચેસ ફેડરેશન)ના નેજા હેઠળ તા.૧૦ થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન અમદાવાદમાં સૌપ્રથમવાર આયોજિત વર્લ્ડ યુથ(અન્ડર-૧૬) ચેસ ઓલમ્પીયાડ-૨૦૧૭ ટુર્નામેન્ટનું રવિવારે કર્ણાવતી કલબ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજય આયોજિત આ સૌપ્રથમ વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટ છે. એસ.જી  હાઇવે પર કર્ણાવતી કલબ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં ૨૫થી વધુ દેશોના ૩૦૦ ખેલાડીઓ ભાગ લેશે એમ અત્રે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના પ્રમુુખ અજયભાઇ પટેલ અને સેક્રેટરી ભાવેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ૧૬ વર્ષથી નીચેની વયના ખેલાડીઓ(છોકરા-છોકરીઓ) ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ટીમ ફોર્મેટમાં રમાડાશે. જેમાં પ્રત્યેક દેશ તરફથી પાંચ ખેલાડીઓ ભાગ લેશે. પાંચ ખેલાડીઓમાં એક ગર્લ્સ ખેલાડીએ રમવાનું ફરજિયાત છે. ટુર્નામેન્ટના અંતે પાંચ શ્રેષ્ઠ ટીમોને ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે. જયારે ગર્લ્સ માટે તેમ જ શ્રેષ્ઠ બોર્ડને પણ ઇનામ એનાયત કરી સન્માનિત કરાશે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તા.૧૦-૧૨-૨૦૧૭ના રોજ  રાત્રે આઠ વાગ્યે થશે, તા.૧૧-૧૨-૨૦૧૭થી ચેસ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડનો પ્રારંભ થશે, જયારે તા.૧૮-૧૨-૨૦૧૭ના રોજ ઇનામ વિતરણ સમારંભ યોજાશે એમ પણ એસોસીએશનના પ્રમુખ અજય પટેલ અને સેક્રેટરી ભાવેશ પટેલે ઉમેર્યું હતું.  ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ યુથ (અન્ડર-૧૬) ચેસ ઓલમ્પીયાડ-૨૦૧૭ ટુર્નામેન્ટમાં કુલ ૯ રાઉન્ડ ફીડે સ્વીસ સીસ્ટમથી રમાશે. પેરીંગ, સ્કોરીંગ અને ટાઇ બ્રેકના નિયમો પણ ચેસ ઓલમ્પીડના નિયમોને આધીન રહેશે. ટુર્નામેન્ટની ઓફિશીયલ વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. ડબલ્યુવાયસીઓ૨૦૧૭.કોમ પણ  ખુલ્લી મૂકાઇ છે, જે વેબસાઇટ મારફતે ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ અને કોમેન્ટ્રીની સેવા પણ ઉપલબ્ધ બનાવાઇ છે.

(11:05 pm IST)