Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ જશે

ગુજરાતના અપમાનનો બદલો કચકચાવીને લેવાશેઃ આંકલાવમાં અમિત શાહની જંગી જાહેરસભા : ગુજરાતની ચૂંટણી સામાન્ય ચૂંટણી ન હોવા ભાજપ પ્રમુખની કબૂલાત

અમદાવાદ, તા.૧૧, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આણંદના આંકલાવ ખાતે જંગી જાહેરસભાને સંબોધી હતી અને આ વખતની ગુજરાતની ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી નથી તેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી સમગ્ર દેશની રાજનીતિ કઇ દિશામાં જશે તે નક્કી કરવા માટેની ચૂંટણી છે. દેશની રાજનીતિ વંશવાદ અને જાતિવાદના આધારે ચાલવી જોઇએ કે પછી વિકાસવાદ ઉપર ચાલવી જોઇએ તે બાબત ગુજરાતની ચૂંટણીથી નક્કી થશે. અમિત શાહે કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની તેજગતિથી આગળ વધી રહ્યો છે. ગુજરાતની જનતાએ દેશનું ભાવિ કેવું બનાવવું છે તે બાબત નક્કી કરવાનું છે. અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ બાબા ગુજરાતમાં ગુજરાતમાં ઘણા આંટા મારે છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી એજન્ડા વગરની પાર્ટી બની ગઈ છે. ચૂંટણી આવે એટલે કોંગ્રેસીઓ નવા કપડા શિવડાવીને ફરવા માંડે છે અને જોર જોરથી બૂમો પાડે કે કોંગ્રેસ આવે છે પરંતુ જ્યારે પરિણામો આવે ત્યારે કોંગ્રેસના સુપડા સાફ થઇ જાય છે. ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪ આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.

ભાજપે જંગી બહુમતિથી જીત મેળવી છે. આ વખતે ઉત્તરપ્રદેશે ગુજરાતનું પેપર ફોડી નાંખ્યું છે. ઉત્તર પ્રદેશનો મૂડ સમગ્ર દેશ અને ગુજરાતની જનતાનો મૂડ છે. ઉત્તર પ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થવાના છે. અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે હારની હતાશામાં ભાન ગુમાવ્યા છે. કોંગ્રેસે તેની ભાષાની ગરિમા પણ ગુમાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે દેશના વડાપ્રધાન મોદી વિશે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી હતી. કોંગ્રેસની હલકી માનસિકતા ફરી ઉઘાડી પડી છે. કોંગ્રેસ દેશના વડાપ્રધાનને નીચ કહીને દેશ અને ગુજરાતનું હળહળતુ અપમાન કર્યું છે. મણિશંકર અય્યરના આ નિવેદનને પહેલા કોંગ્રેસે સમર્થન આપ્યું હતું પરંતુ જનતાનો રોષ જોઇને તેમને સસ્પેન્ડ કરવાનું નાટક કર્યું છે. ચૂંટણીમાં પ્રજા હિસાબ ચુકતે કરશે. કોંગ્રેસ પાર્ટી અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર બને તેમાં સહમત છે કે નહીં તેનો જવાબ આપે. શાહે રાહુલ ગાંધીને આના માટે પડકાર ફેંક્યો હતો.

(11:03 pm IST)