Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

રાહુલનો ઝંઝાવતી પ્રચાર...

સાંવલીમાં બહેનોએ તિલક કરી સ્વાગત કર્યું

ટીવી જોશો તો મોદીજી દેખાશે : રાહુલની ટકોર

રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માર્મિક કટાક્ષ કર્યા હતા કે, અમારી પાસે સચ્ચાઇ સિવાય કંઇ નથી. મોદીજી પાસે સરકાર છે, સત્તા છે, ગુજરાતની અને કેન્દ્રની અને બીજા રાજયોની પણ, પૈસા અને સત્તા હોઇ તે બધુ જ કરી શકે છે. તેમની પાસે ઉદ્યોગપતિઓ છે. અમારી પાસે પૈસા નથી. તમે ટીવી જોશો તો મોદીજી દેખાશે, અમે નહી. અમારી પાસે પૈસા નથી એટલે. અમારી પાસે સત્ય છે. ગુજરાતનું ૨૨ વર્ષનું સત્ય.

સાવલીમાં બહેનોએ રાહુલને તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું

રાહુલ ગાંધી વડોદરાના સાવલી પહોંચ્યા ત્યારે સ્થાનિક બહેનો અને મહિલાઓએ તેમને તિલક કરી હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ પણ બહેનો અને મહિલાઓનો ઉમળકાભરે સ્વાગત કરવા બદલ આભાર માન્યો હતો. રાહુલે તેમની પ્રચારસભાઓમાં આજે ફરી એકવાર દોહરાવ્યું હતું કે, ગુજરાતમાં તમારા બધાનો પ્રેમ હું જીંદગીભર નહી ભૂલું. મને કંઇ પણ કામ હોય તો યાદ કરજો ભલે હું ગમે ત્યાં હોઇશ પણ તમારા કામ માટે અહીં હાજર થઇ જઇશ. હું મારા તમામ પ્રયાસો તમારું કામ કરવામાં લગાવી દઇશ.

કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે, તો ભાષણમાં શું કામ વાત કરો છો

રાહુલ ગાંધીએ મોદી પર સણસણતો કટાક્ષ કર્યો હતો કે, મોદીજી તેમના ભાષણોમાં ૫૦ ટકા વાત કોંગ્રેસ પર આરોપ લગાવવાની અને કોંગ્રેસને બદનામ કરવાની કરે છે. મોદીજી કહે છે કે, કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે. તો હું કહું છું કે, જો ભાઇ કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે તો પછી તમે તમારા ભાષણમાં કોંગ્રેસની જ વાતો કેમ કર્યા કરો છો. જોશ તમારામાં નહી, ગુજરાત યુવાનો, ખેડૂતો અને મહિલાઓમાં છે. પરંતુ આજે સૌપ્રથમવાર એવુ બન્યુ છે કે, ગુજરાતમાં દરેક સમાજમાં ગુસ્સો અને આક્રોશ છે. જનતાએ તેના આક્રોશનો જવાબ મતદાન મારફતે આપવાનું નક્કી કર્યું છે અને તેથી જનતાના આશીર્વાદથી આ વખતે કોંગ્રસની સરકાર બનશે.

(8:06 pm IST)