Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જુગારધામ ઉપર દરોડો પાડવા ગયેલી પોલીસ ઉપર હુમલોઃ પીઆઈ સહિત બેને ઈજા

લક્ષ્મણ ઉર્ફે બાબુદાઢી તેના મકાનમાં જુગાર રમાડતો'તો : અમુક શખ્સોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો : પી.આઈ. ડી.વી.રાણા સહિત કોન્સ્ટેબલને ઈજા થઈ હોવા છતાં આરોપીઓને પકડી લીધા

અમદાવાદ : સાબરમતીના જવાહરચોક વિસ્તારમાં મકાનમાં ચાલતા જુગારધામ પર શનિવારે રાત્રે પીસીબી દ્વારા દરોડો પાડી આઠ જેટલા જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા જુગારીને ઝડપી અને પોલીસ સ્ટેશન લઈ જવાતા હતા ત્યારે સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત બે લોકોને ઇજા થવા પામી હતી.

સ્થાનિકોએ ત્યાં એક મંડપના ખૂણામાં આગ પણ લગાવી દીધી હતી. જો કે પોલીસ પર પથ્થરમારો અને હુમલો થવાની ઘટના બનવા છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા પથ્થરમારો કરનાર લોકો સામે કોઈપણ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો નથી. ઉપરાંત જે જુગારીઓને પકડવા પોલીસ ગઈ હતી તે જુગારીઓની જ સાબરમતી પોલીસે સેવા ચાકરી કરી હતી અને જેલમાં બંધ રાખવાની જગ્યાએ ડી સ્ટાફ ઓફિસની બહાર ચા પીવડાવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીબીના ઇન્ચાર્જ એસીપી એમ. કે. રાણા તેમજ કોન્સ્ટેબલ પરાક્રમસિંહને બાતમી મળી હતી કે સાબરમતી જવાહરચોક વિસ્તારમાં ગુરુદ્વારા પાછળ લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી સેંદ્યાજી રાવત દ્વારા તેના મકાનમાં જુગાર રમાડવામાં આવે છે જેના આધારે શનિવારે રાત્રે પીસીબીની ટીમે લક્ષ્મણના ત્યાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સાતથી આઠ જેટલા જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા.

જુગાર રમાડનાર રાજેશકુમાર કલાલની પૂછપરછ કરતાં તેમના શેઠ બાબુ દાઢી મોટો જુગાર રમાડે છે અને પૈસા જમા લઈ ટોકન આપે છે તેમ તેણે જણાવ્યું હતું.પીસીબી દ્વારા લક્ષ્મણના જુગારધામ પર પીસીબીની રેડની માહિતી મળતાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. રાણા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.

પોલીસ જુગારીઓને જયારે વાનમાં બેસાડી અને લઈ જતી હતી ત્યારે લક્ષ્મણના ઘરની સામે મરણ પ્રસંગ થયો હતો અને મંડપ બાંધ્યો હતો અને ૧૦થી ૧૫ સ્ત્રી પુરૂષો બેઠાં હતાં. પોલીસ દ્વારા આ જુગારીઓને પકડીને લઈ જતા હતા ત્યારે તેઓને રોકવા માટે બૂમાબૂમ કરી અવરોધ ઊભો કર્યો હતો. કોઈ વ્યકિતએ મંડપના ખૂણામાં આગ પણ લગાવી દીધી હતી જેનાથી નાસભાગ મચે અને આરોપીઓ નાસી જવામાં સફળ થાય.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિકોએ આરોપીઓની મદદ કરવા માટે પથ્થરમારો પણ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં પીઆઈ. ડી.વી. રાણા તેમજ એક કોન્સ્ટેબલને પણ ઇજા થઈ હતી. પથ્થરમારો અને અવરોધ ઊભો થવા છતાં પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડી પોલીસ સ્ટેશન લવાયા હતા.

પોલીસ સ્ટેશન લાવી અને પીસીબી દ્વારા ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ જુગારીઓને જેલમાં બેસાડવાની જગ્યાએ સવારના સમયે પોલીસે બહાર બેસાડ્યા હતા અને તેમની સેવા ચાકરી કરી હતી.

જામીન આપવાના સમયે ડી સ્ટાફ ઓફિસની બહાર જ તેઓને ઊભા રાખવામાં આવ્યા હતા અને ચા પાણી પીવા દેવામાં આવ્યા હતા. ડી સ્ટાફ ઓફિસમાં માત્ર એક જ કોન્સ્ટેબલ હાજર હતો. પોલીસ દ્વારા આ રીતે જુગારીઓને બચાવવા પર અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં જુગાર રમાડનાર લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢીને વોન્ટેડ જાહેર કરાયો છે.

(3:34 pm IST)