Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સેલવાસ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલા સહીત ચારના ઘટનાસ્થળેજ મોત

વાપી:સેલવાસ નજીક કિલવણી ગામે આજે મોડીસાંજે સ્કોર્પીયો ગાડી અને પીયાગો રીક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલા સહિત ચાર  વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય સાત વ્યક્તિઓને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી ત્રણ વ્યક્તિની હાલત ગંભીર છે. એકત્રિત લોકોટોળાએ સ્કોર્પીયો ચાલકને માર મારી ગાડીને આગ ચાંપી દીધી હતા.

સેલવાસની  મહિલા સહિત ૧૦ મુસાફરોને ભરી પીયાગો રીક્ષા (નં. જીજે-૧૫-વાયવાય- ૪૦૫૪)નો ચાલક આજે મોડી સાંજે રાંધા જવા નીકળ્યો હતો. સેલવાસના કિલવણી ગામે મુખ્યમાર્ગ પર સામેથી પૂરઝડપે આવતી સ્કોર્પીયો ગાડી (નં. ડીએન-૦૯-એમ- ૨૮૦૨)ના ચાલકે પીયાગો રીક્ષાને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો. રીક્ષામાં સવાર મુસાફરો રોડ પર ફંગોળાયા હતા.

જેમાં ધીરૃ પાટુ, રમણ કનોજા, કલાવતી આંધેર અને અન્ય મહિલા મળી ચાર જણાંના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે  અન્ય સાત વ્યક્તિઓને ઇજા થતાં સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાત પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ગંભીર અકસ્માતને પગલે લોકો એકત્રિત થયા બાદ સ્કોર્પીયો ચાલકને પકડી મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકટોળાએ  સ્કોર્પીયોને આગ ચાંપી દીધી હતી. જેને પગલે પોલીસ અધિકારી સહિત કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

બાદમાં ફાયર ફાઇટરનો બંબો ઘટનાસ્થળે પહોંચી લાશ્કરોએ આગને કાબુમાં  લીધી હતી. સેલવાસ પોલીસે દરમિયાનગીરી કરી લોકોને શાંત પાડયા હતા. પોલીસે ગુનો દાખલ  કરવાની તજવીજ હાથ ધરી હતી. સ્કોર્પીયો સેલવાસની ટીસીએલ કંપનીની હોવાનું જાણવા મળી રહ્યું છે.

(2:23 pm IST)