Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ભાવિ યોજનાની વાત બાજુ પર, ચૂંટણી આક્ષેપો - પ્રતિઆક્ષેપો પર જ ચાલી

પ્રજાલક્ષી વિઝનના બદલે કાદવ ઉછાળવાની સિઝનઃ ભાજપ - કોંગ્રેસે પ્રજા માટે શું કરશે? તે કહેવાના બદલે સામેવાળાએ શું કર્યુ? તેનું જ રટણ કર્યુ

રાજકોટ, તા., ૧૧: વિધાનસભાની ચુંટણીમાં ૮૯ બેઠકોના મતદાનનો પ્રથમ તબક્કો શનિવારે પુરો થયો છે. હવે ગુરૂવારે બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે મતદાન થનાર છે. જેના પ્રચારના ભુંગળા બંધ થવા આડે બે દિવસ બાકી રહયા છે. સામાન્ય રીતે ચુંટણી કોઇ મુદ્દા આધારીત લડાતી હોય છે. પરંતુ આ વખતની ચુંટણીમાં કોઇ એક મુદ્દો પકડાયો નથી અને ભાજપ-કોંગ્રેસ સહીતના પક્ષોએ કોઇ પ્રજાલક્ષી વિઝનની વાત કરવાને બદલે ચુંટણીને કાદવ ઉછાડવાની સીઝનમાં પરીવર્તીત કરી નાખી છે. અત્યાર સુધી આખી ચુંટણી મહદ અંશે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પર જ ચાલી છે.

ગુજરાતમાં ભાજપે ૧પ૦ નો લક્ષ્યાંક રાખી છેલ્લા બે મહિનાથી જોરશોર પ્રચાર આરંભ્યો છે. નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહના અવારનવારના પ્રવાસ ઉપરાંત અન્ય રાજયના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત પ્રચારમાં આવી ગયા છે. ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સરકારે પ્રજા માટે શું કર્યુ તે કહેવાને બદલે વ્યકિતગત મોદીની સિધ્ધીઓ ગણાવી મોદીના નામે જ મત માંગવાનું પસંદ કર્યુ છે. આનંદીબેન પટેલ અને વિજયભાઇ રૂપાણીની સરકાર વખતની કામગીરીનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મોદીએ જાહેરસભાઓમાં ભાવુક બની મત માંગ્યા છે. કોંગ્રેસ અત્યારે સતા પર ન હોવા છતા કોંગ્રેસની સરકાર વખતની ઝાટકણી કાઢવાનું ચાલુ રાખ્યું છે. કોંગ્રેસે ગયા સોમવારે ચુંટણી ઢંઢેરો બહાર પાડેલ. ભાજપે તો પહેલા ચરણના મતદાનના આગલા દિવસે જ ઢંઢેરો બહાર પાડયો છે. ભાજપ સીડી બનાવવામાં વ્યસ્ત હોવાથી ઢંઢેરો બનાવવાનું ભુલાઇ ગયું હશે તેવો વ્યંગ હાર્દિક પટેલે કર્યો છે.

બીજી તરફ કોંગ્રેસ વતી રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી મેદાનમાં છે. તેની પ્રતિભામાં અગાઉ કરતા ઘણો સુધારો દેખાય છે. કોંગ્રેસે ચુંટણી ઢંઢેરો બહાર પાડી ખેડુતોના દેવા માંફી સહીતના વચનો આપ્યા છે. જો કે રાહુલના પ્રવચનોમાં પણ મોટા ભાગે મોદી સરકારની કામગીરીની કડક ટીકા જ હોય છે.

કોંગ્રેસ અને ભાજપે આવતા પાંચ વર્ષમાં શું કરવા માંગે છે તે કહેવાને બદલે સામેવાળાએ ભુતકાળમાં શંુ કર્યુ તે કહેવા પર જ ભાર મુકયો છે. ચુંટણીમાં વારંવાર અલગ-અલગ મુદ્દા જમાવવાનો પ્રયાસ થયો છે. લોકોના હિતની વાત એક બાજુ રહી ગઇ હોય અને માત્ર આક્ષેપોની વાત જ ચુંટણીનો મુખ્ય પ્રવાહ બની ગઇ હોય તેવી છાપ પડી ગઇ છે. પ્રજાના ગળે કોની વાત ઉતરી છે તે જાણવા માટે ૧૮ ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. (૪.૩)

 

 

(12:28 pm IST)