Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૩૩ બેઠકો પર માત્ર ૫૦થી ૬૦ ટકા મતદાન

ફાઇનલ આંકડાઃ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર માત્ર ૬૬.૭૮ ટકા મતદાનઃ સૌથી વધુ ૮૪.૬૩ ટકા મતદાન ઓલપાડ અને સૌથી ઓછું ૫૫.૩૧ ટકા મતદાન ગારીયાધારમાં

અમદાવાદ તા. ૧૧ : રાજયના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાનના આખરી આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. જે મુજબ સરેરાશ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે સૌથી વધુ ૭૯.૧૫ ટકા મતદાન નર્મદા જિલ્લા, બીજા નંબરે ૭૮.૫૬ ટકા તાપી જિલ્લામાં થયું છે. જયારે સૌથી ઓછું ૫૯.૩૯ ટકા મતદાન દ્વારકા જિલ્લામાં થયું છે. બેઠક પ્રમાણે સૌથી વધુ ૮૪.૬૩ ટકા મતદાન અનુસૂચિત જનજાતિ માટેની અનામત એવી ઓલપાડ બેઠક પર થયું છે. ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક સૌથી ઓછું ૫૫.૩૧ ટકા મતદાન થયું છે.

નોંધનીય છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આદિવાસી બાહુલ્યવાળા વિસ્તારોમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી ગઈ છે અને કચ્છ-સૌરાષ્ટ્રમાં જયાં ગત ચૂંટણીમાં ભાજપની બેઠકો વધુ હતી ત્યાં મતદાનની ટકાવારી નીચી રહી છે. આ બાબત સામાન્ય નહીં પણ ભાજપ માટે ચિંતાનો મોટો વિષય છે.

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારોમાંથી ૧,૪૧,૭૧,૭૧૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એમાં પણ કુલ ૧,૧૧,૦૫,૯૩૩ પુરુષ મતદારોમાંથી ૭૬,૬૦,૫૧૮ પુરુષોએ એટલે કે કુલ પુરષ મતદારોમાંથી ૬૮.૯૮ ટકા જેટલું મતદાન કર્યું છે. જયારે કુલ ૧,૦૧,૨૫,૪૭૨ મહિલા મતદારોમાંથી ૬૫,૧૧,૧૧૦ મહિલાઓએ મતદાન કર્યું છે. જે ૬૪.૩૦ ટકા જેટલું છે એનો અર્થ એ થાય કે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મોટાભાગે મહિલા મતદારોમાં નિષ્ક્રિયતા જોવા મળી છે. જયારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ૨૪૭ની હતી. એમાંથી ૮૯ મતદારોએ મતદાન કર્યુ છે.

ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાનના જે આખરી આંકડા જાહેર કર્યા છે તે મુજબ ઓલપાડ, ઝઘડિયા, નિઝર અને કપરાડા જેવી ચાર બેઠકો ઉપર ૮૦ ટકાથી વધુ મતદાન થયું છે. ૩૦ બેઠકો ઉપર ૭૦ ટકાથી વધુ, ૩૩ બેઠકો ઉપર ૫૦ ટકાથી વોટિંગ થયું છે. જે બતાવે છે કે, પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં ૩૩ બેઠકો એટલે કે વધારે બેઠકો ઉપર માત્ર ૫૦થી ૬૦ ટકા જેટલું સાવ ઓછું મતદાન થયું છે. એનો સીધો સંકેત એ છે કે, કચ્છ-સૌરાષ્ટ્રની ૫૪ બેઠકોના વિસ્તારોમાં લોકો મતદાન કરવાથી દૂર રહ્યાં છે. આ એવા વિસ્તારો છે કે, જયાં ભાજપ મજબૂત મનાય છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકોવાળા વિસ્તારો પૈકી પણ સુરત જેવા શહેરી અસર હેઠળના વિસ્તારોમાં ૬૬.૩૯ ટકા જ મતદાન થયું છે. જયારે કોંગ્રેસ મજબૂત છે એવા આદિવાસી વિસ્તારોમાં મતદાન વધારે થયું છે.

(9:20 am IST)