Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પહેલા તબક્કાની ચૂંટણીમાં ૮૯માંથી ૬૦ બેઠકો પર હારશે ભાજપઃ હાર્દિક

ભાજપને હરાવવા લેવડાવ્યા સોગંધઃ પીએમ મોદીની ઉતારી નકલઃ પટેલો - ઠાકોરોને લડાવવાનો લગાવ્યો આરોપ

પટણા તા. ૧૧ : ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂરુ થયા બાદ ભાજપ-કોંગ્રેસ હવે બીજા તબક્કા માટે પૂરજોરમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ પણ ભાજપને હરાવવા એકપછી એક સભાઓ યોજી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં યોજાયેલી આવી જ એક સભામાં હાર્દિકે લોકોને ભાજપને હરાવવાના સોગંધ લેવડાવ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં સભાઓ કરી રહેલા હાર્દિક પટેલની પાટણ જિલ્લાના લણવા ગામે મહાક્રાંતિ સભા યોજાઈ હતી. જેમાં તેણે કહ્યું કે, ભાજપ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાંથી ૬૦ બેઠક હારી ગઈ છે અને બાકીની બેઠકો હવે તમારે (ઉત્ત્।ર ગુજરાતે) હરાવવાની છે.

પીએમ મોદીની સ્ટાઈલમાં તેણે હિંદીમાં કહ્યું કે, 'મહેસાણા સે મેરા પુરાના રિસ્તા હૈ, કાફી અચ્છા રિસ્તા હૈ, મેં જબ છોટા બચ્ચા થા, તબ થાબડી કે પેંડે ખાને આતા થા.'

પોતે કોંગ્રેસનો એજન્ટ હોવાનો ઈનકાર કરતા તેણે કહ્યું કે, કોઈનો એજન્ટ નથી, મને કોઈ કોંગ્રેસનો માસીનો છોકરો કે ભાજપવાળો ફોઈનો છોકરો નથી થતો.' તેણે કહ્યું કે, 'ખેડૂતોને પાકની સાચી કિંમત, યુવાન કોલેજમાંથી બહાર નીકળે એટલે તરત રોજગારી, પાટીદારોને અનામત અને ગુજરાતનો તમામ ખેડૂત સુખેથી રહી શકે તેવી યોજના અમલમા લાવો એટલે કાલથી અમારું આંદોલન બંધ થઈ જશે.'

તેણે કહ્યું કે, 'જો આ વખતે તાકાત બતાવી દીધી તો આવતા ૫૦ વર્ષ સુધીની પેઢી અને ૫૦ વર્ષની સરકાર કહેશે કે તમે કહો એ કરવા તૈયાર છીએ, તમારી ઉપર ગોળીઓ નહીં ચલાવીએ.' તેણે કહ્યું કે, 'આપણે કેશુબાપા, એ કે પટેલ, ખેડૂતોની, અટલ બિહાર વાજપેયી, કાશીરામ રાણાની ભારતીય જનતા પાર્ટીમાં હતા, અમિત શાહ અને જીતુભાઈ વાઘાણીની જનતા પાર્ટીમાં નથી.'

હાર્દિકે કહ્યું કે, 'આ લડાઈ માત્ર પટેલ પૂરતી નથી. નોકરી નથી મળતી તો ખાલી પટેલોને નહીં, ગુજરાતના તમામ લોકોને નથી મળતી. પટેલ-ઠાકોરે ખાસ એક થવાની જરૂર છે. આ લોકો પટેલો-ઠાકોરને અલગ કરવાની ગેમ રમ્યા. ૧૯૮૫માં ઝઘડાવનારા તમે લોકો (ભાજપ) જ હતા.'

તેણે ભાજપની વિરુદ્ઘમાં મતદાન કરવા લોકોને કહેતા કહ્યું કે, ભાજપને હરાવવું જ પડશે. તેણે કહ્યું કે, 'મારા મમ્મી-પપ્પા ભાજપનો પ્રચાર કરવા આવે તો તેમને પણ ગામમં ઘૂસવા ના દેતા.' હાર્દિકે કહ્યું કે, 'ભજિયા-ચવાણામાં પડતા નહીં, જો કોઈ ભજિયા ખાવા જાય તો તેમને કહી દેજો કે મારે મફતના ભજિયા ખાઈને મારે મારા છોકરા કે છોકરીનું ભવિષ્ય નથી બગાડવું.'

ઠાકોર સમાજને કહ્યું કે, 'આ લોકો ગામડે-ગામડે મંદિરનું બહાનું કાઢીને આવે છે કે મંદિર બનાવવું છે આ લો પૈસા, આપણે ભાજપ કે કોંગ્રેસના પૈસાથી મંદિર નથી બનાવવું. એક-એક વોટના ૫૦૦-૧૦૦૦ રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. પૈસા નથી જોઈતા. આપણે જોઈએ છે રોજગારી, સ્વમાન, અભિમાન.' તેણે કહ્યું કે, 'અમારે ઠાકોર સમાજનું કે ઓબીસી કે એસએસટી સમાજનું નથી લેવાનું.'

(12:29 pm IST)