Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ટિકિટ કપાયા બાદ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર બાળુભાઈ શુકલાને હેતભેર આવકાર્યા : કહ્યું -કમળ જ ચૂંટણી લડે છે

પૂર્વ મંત્રીએ કહ્યું -ભારતીય જનતા પાર્ટીના સિદ્વાંતો જન્મજાતથી રોપાયેલા છે. 16 વર્ષથી અમે કામ કર્યું છે. પાર્ટીએ અમને ખૂબ આપ્યું છે. પાર્ટીએ અમને મોટા કર્યા છે.

વડોદરા : ભાજપની પ્રથમ યાદી ગઈકાલે જાહેર કરાઈ હતી, જેમાં 10 વિધાનસભાની બેઠકોમાં 8 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમાં રાવપુરા વિધાનસભાની બેઠક પર બાળુ શુકલાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ તેમના સમર્થકાના ખુશીનો પાર ન રહ્યો હતો. તેમના તમામ સમર્થકોએ ખુશી વ્યક્ત કરી બાળુ શુકલાને શુભકામનાઓ પાઠવી હતી.

રાવપુરા વિધાનસભાની બેઠક પર બાળુ શુકલાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરતા આજે રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલાય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં બાળુ શુકલા, રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાવપુરા વિસ્તારના તમામ વોર્ડના કાઉન્સીલરો ચૂંટાયેલા ઉમેદવારો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા બાળુ શુકલાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ અંગે બાળુ શુકલા જણાવે છે કે,ગઈકાલે રાજેન્દ્ર ત્રિવેદીને રાજ્ય સરકારનું મહત્વનું કામ હોવાથી તેઓ ગાંધીનગર હતા. સવારે જ મારી એમની સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે, બાળુંભાઈ મારે મોડું થાશે. એટલે સવારે જ મળવાનું થયું. અહીં વિસ્તારના તમામ પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત છે. ગુજરાતમાં સૌપ્રથમ ચૂંટણીનું કામ રાવપુરા વિધાનસભામાં થઈ ગયું છે. જે મારી માટે ગૌરવની વાત છે કે રાજુભાઈના માર્ગદર્શન હેઠળ અમે ચૂંટણી લઈ રહ્યા છીએ.

આ અંગે રાજેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે,નામ કોઈપણ હોય અમે કમળને જોઈએ છીએ. રાજેન્દ્ર ત્રિવેદીની જગ્યાએ બાળુભાઈ આવતા હોય તો પરિવર્તન માત્ર નામનું છે. કમળ જ ચૂંટણી લડે છે. ભારતીય જનતા પાર્ટીના સિદ્વાંતો જન્મજાતથી રોપાયેલા છે. 16 વર્ષથી અમે કામ કર્યું છે. પાર્ટીએ અમને ખૂબ આપ્યું છે. પાર્ટીએ અમને મોટા કર્યા છે. પાર્ટી અમારી માતા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સીલરો અને પ્રમુખ ભેગા થયા છે અને બાળુભાઈને શુભેચ્છા આપી છે. અનેક રીતે ખૂબ જ સુસજ્જ અને પર્યાપ્ત ઉમેદવાર આપણને મળ્યા છે. હું મને નથી જોતો હું ત્યાં જોઉં છું.અમે એક જ છીએ.અને કમળના નિશાન પર જંગી બહુમતીથી રાવપુરા વિધાનસભા જીતાડે તેવી મારી હ્રદયની પ્રાર્થના છે.

(7:53 pm IST)