Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને કડવો અનુભવ : જાહેરમાં અણિયારા સવાલો પુછાયા

કાર્યકર્તા સંમેલનમાં 40 વર્ષથી તેમની સાથે સંકળાયેલા એક શખ્સે તેમના ખભે હાથ રાખી સવાલ પુછ્યો કે, '5 વર્ષ થઈ ગયા, પ્રજાની વચ્ચે આવ્યા હોય તેવું કામ કર્યું છે? '

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે નજીક આવતી જાય છે. તેવામાં કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ગતરાત્રે કડવા અનુભવ થયો છે. ગતરોજ કાર્યકર્તા સંમેલનમાં 40 વર્ષથી તેમની સાથે સંકળાયેલા એક શખ્સે તેમના ખભે હાથ રાખી સવાલ પુછ્યો કે, “5 વર્ષ થઈ ગયા, પ્રજાની વચ્ચે આવ્યા હોય તેવું કામ કર્યું છે?

ગુજરાતમાં મુખ્ય વિરોધી પાર્ટી તરીકે રોડ-રસ્તા પર આમ આદમી પાર્ટી ઉતરી આવી છે. વિધાનસભામાં વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત ખુબ જ દયનીય હોવાના અહેવાલો અવાર નવાર પ્રકાશમાં સામે આવતા રહે છે. તેવામાં ગતરોજ કોંગ્રેસના અમદાવાદના દાણીલીમડા બેઠક પરના ધારાસભ્ય શૈલેષ પરમારને કડવો અનુભવ થયો હતો. ગતરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓનું સમંલેન મળ્યું હતું. જેમાં વર્તમાન ધારાસભ્યને જૂના સાથીદાર તરફથી જ જાહેરમાં અણિયારા સવાલો પુછવામાં આવ્યા હતા. જેને લઇને સંમેલનમાં તેઓ એક સમયે ભોંઠા પડી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. ધારાસભ્યના પરિચીતે તેમના ખભે જ હાથ મુકતા મુકતા અણિયારા સવાલોનો મારો ચલાવ્યો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે.

 વિડીયોમાં હાજર એક વ્યક્તિના હાથમાં માઇક છે. અને તેનો એક હાથ વર્તમાન ધારાસભ્યના ખભા પર મુકે છે. વિડીયોમાં જોવા મળે છે કે માઇક હાથમાં રાખેલ વ્યક્તિ ધારાસભ્ય સાથે ઊભા રહીને સવાલ પૂછે છે કે, હુ શૈલેશભાઇને પૂછવા માંગુ છું કે 5 વર્ષ થઈ ગયા શૈલેષ ભાઈ, ક્યારેય કોઈ રાઉન્ડ લીધો હોય અથવા પ્રજાની વચ્ચે આવ્યા હોય, આવું કંઈ કામ કર્યું છે? એવો શૈલેષભાઈને સવાલ હું કરું છું. ઘણા લોકોને ખોટું લાગશે કે રીઝવાનભાઈ સ્ટેજ પર આવીને આવું કેમ બોલી રહ્યા છે. શૈલેશભાઇ મારા દુશ્મન નથી મારા ભાઇ છે. અમે 40 વર્ષથી જોડાયેલા છીએ. મેં પાંચ વર્ષ પહેલા પણ શૈલેષભાઈનો વિરોધ કર્યો હતો, ત્યારે શૈલેશભાઇએ કસમ ખાધી હતી અને વાયદો કર્યો હતો. પણ તેમને એક પણ વાયદો પુરો કર્યો નથી અને કર્યો હોય તો તમે પૂછી શકો છો. જો કોઇને ખોટું લાગ્યું હોય તો હુ માફી માંગુ છુ. ખાસ કરીને શૈલેશભાઇની માફી માંગુ છુ

(7:25 pm IST)