Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં સગા ભાઈ વચ્ચે જામશે મુકાબલો :લોહી એક પણ વિચારસરણી અલગ

ભાજપે પાંચમી વખત અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને ટિકિટ આપી: તેમના મોટા ભાઈ જ વિજયસિંહ ઉર્ફે વલ્લભ પટેલને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા

અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે પાંચમી વખત અંકલેશ્વરના વર્તમાન ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. તો તેમની સામે તેમના મોટા ભાઈ જ વિજયસિંહ ઉર્ફે વલ્લભ પટેલને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે.

ભાજપના ઇશ્વરસિંહ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા મોટા ભાઈ વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ મોવડી મંડળની વિચાર સરણી અને સિદ્ધાંતોથી અલગ કામ થઈ રહ્યું છે.પ્રજા જાણે છે વિકાસ ક્યાં છે અને કોનો છે. પરિવર્તન જરૂરી છે. ભાજપમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર સામે ખોટા કેસ અને અત્યાચાર થાય છે. જેની સામે અમારી લડત છે.

અમારું લોહી એક છે પણ વિચારસરણી અલગ છે. હું મારા માતા-પિતાના ગુણ લોકોની સેવા કરવાની ભાવનાને લઈ ચૂંટણી જંગમાં ઊતર્યો છું. હવે બે મુખ્ય હરીફ પક્ષમાંથી આમને સામને રહેલા બે સગા ભાઈમાં કોણ ચૂંટણી જંગ જીતે છે તે તો 8 ડિસેમ્બરે જ પરિણામ બાદ ખબર પડશે.

(7:21 pm IST)