Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અમદાવદમાં કુરિયરનો વેપાર કરતા શખ્સને ડીલરશિપની લાલચ આપી ત્રણ લાખની ઠગાઈ આચરતા ગુનો દાખલ

અમદાવાદ: કુરિયરનો વેપાર કરતા શખ્સને મોટું કામ  અને હોમશોપની ડીલરશીપ આપવાની લાલચ આપી ઠગે રૂ.૩ લાખની ઓનલાઈન ઠગાઈ આચરી છે. બનાવ અંગે સાયબર સેલે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાથી વેપારીના સંપર્કમાં આવેલા શખ્સે ભોગ બનનારનો વિશ્વાસ જીવતા એગ્રીમેન્ટ કર્યા તેમજ કુરિયર પાર્સલ પહોંચાડવાનું કામ પણ આપ્યું હતું. 

સાયબર સેલમાં નિમીતભાઈ મહેશભાઈ ગાંધી (ઉં,૪૭)એ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા એ.કે.અંસારી નામના શખ્સ સામે ફરિયાદ કરી છે. આરોપીએ ફરિયાદીને ડીલરશીપ તેમજ પાર્સલ સેવાનું કામ આપવાની વાત કરી ઓનલાઈન એગ્રીમેન્ટ કર્યા હતા. ગુજરાત ખાતે ડીલરશીપ લેશો તો તમને મોટા પાયે નફો મળશે તેવી વાત કરી આરોપીએ ફરિયાદીને આંજી દીધા હતા. માર્ચ,૨૦૧૯ થી ફરિયાદીએ આરોપીના કહેવા મુજબ જૂદા જૂદા ચાર્જ પેટે કુલ રૂ.૩,૦૭,૫૦૦ની રકમ ભરાવી હતી. આરોપીએ ફરિયાદીને પાર્સલ રેલ્વેમાંથી છોડાવીને વેજલપુર સુવિધા શોપિંગ સેન્ટર ખાતે પહોંચાડવા માટે જણાવ્યું હતું. આ પાર્સલ ફરિયાદીએ પહોંચાડી આરોપીને ફોટો કોપી વોટસએપથી મોકલી હતી. આ કામ પેટે આરોપીએ ફરિયાદીના ખાતામાં કમિશનના રૂ.૧૮૦૦ જમા કરાવ્યા હતા. આમ, મોટું કામ અને વધુ કમાણીની વાતોમાં આવી ફરિયાદીએ આરોપીના કહેવા મુજબ ઓનલાઈન પૈસા ભર્યા હતા. 

(6:33 pm IST)