Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સુરતના લીંબાયત વિસ્તારમાં 16 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી ટ્રેનમાં લઇ જઈ જાતીય હુમલો કરનારને અદાલતે 7 વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરના લિંબાયત વિસ્તારની 16 વર્ષ છ માસની વયની તરૃણીને લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને ચાલુ ટ્રેન દરમિયાન જાતીય હુમલો કરનાર 21 વર્ષીય આરોપી યુવાનને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ભરતકુમાર પી.પુજારાએ પોક્સો એક્ટના ભંગના ગુનામાં શંકાનો લાભ તથા ઈપીકા-ે363ના ગુનામાં ત્રણ વર્ષ તથા 366 ના ગુનામાં સાત વર્ષની સખ્તકેદ, રૃ.10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.

લિંબાયત વિસ્તારમાં રહેતી ફરિયાદી માતાએ ગઈ તા.6-8-2019ના રોજ પોતાની 16 વર્ષ છ માસની વય ધરાવતી તરૃણીને કોઈ અજાણ્યો ઈસમ ભગાડી ગયો હોવા અંગે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગે લિંબાયત પોલીસની તપાસ દરમિયાન 21 વર્ષીય આરોપી આસીફ જહાંગીર શેખ (રે.માનદરવાજા ગલી નં.15 ઘર નં.788) અમદાવાદથી અજમેર જતી સુપરફાસ્ટ ટ્રેનમાં ભગાડી ગયો હતો.જે દરમિયાન રાત્રે અંધારામાં ચાલુ ટ્રેને ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેના પર જાતીય હુમલો કરીને શારીરિક અડપલાં કરીને શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી.જેથી લિંબાયત પોલીસે પોક્સો એક્ટની કલમ-3 (એ)4,7,8 તથા ઈપીકો-363,366,376(જે) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે એપીપી દિપેશ દવેની રજૂઆતો બાદ આરોપીને દોષી ઠેરવ્યો હતો. જ્યારે પોક્સો એક્ટ અને બળાત્કારના ગુનામાં શંકાનો લાભ અપાયો હતો. ખુદ ભોગ બનનારે ફરિયાદપક્ષની હકીકતને સમર્થનકારી પુરાવો આપ્યો નથી. જેથી સરકારપક્ષની વિનંતીથી તેને ફરી ગયેલા સાક્ષી જાહેર કર્યા હતા.

(6:30 pm IST)