Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગાંધીનગર-ચિલોડા હાઇવે નજીક વાહનચાલકોને બંધક બનાવી લૂંટી લેવાની ઘટનામાં પોલીસે એક સાગરીતની ધરપકડ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર રાહદારી અને વાહનચાલકોને લૂંટી લેવાની ઘટનાઓ વધી હતી જેના પગલે પોલીસે આરોપીઓને શોધવા દોડધામ શરૃ કરી હતી અને બાતમીને આધારે રણાસણ પાસેથી આ ટોળકીના સાગરીતને ઝડપી લીધો હતો અને પુછપરછમાં છ જેટલી લૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે તેના અન્ય સાત જેટલા સાગરીતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોરી લૂંટની વધતી ઘટનાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચિલોડા નરોડા હાઇવે ઉપર વાહનચાલકોને લૂંટી લેવાની ઘટનાઓ સતત વધી હતી જેના પગલે અહીંથી પસાર થતા નાગરિકોને સતત ડર અનુભવાતો હતા આ સ્થિતિને પગલે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.વછેટાએ સ્ટાફના માણસોને આ ગુનાઓનો ભેદ ઉકેલવા તાકિદ કરી હતી અને પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચાર દિવસ અગાઉ પ્રાંતિયા પાસે ટેમ્પો ચાલકને લૂંટી લેનાર ટોળકીનો એક સાગરીત ફોન વેચવા માટે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે રણાસણ સર્કલ પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો પુછપરછમાં તેનું નામ સચિન ઉર્ફે પકોડી વ્રજલાલ કાશીરામ પ્રજાપતિ રહે. એ-૮-૧૦૩ સ્મામિનારાયણ પાર્ક નવા નરોડા, મુળ-ઉત્તર પ્રદેશ હોવાનું બહાર આવ્યું હતું જેની પાસેથી ચાર મોબાઇલ રોકડ અને ભોગ બનનાર રાજુભાઇ રાવલનું આધારકાર્ડ પણ મળી આવ્યું હતું. તેના મિત્રો અનિકેત ઉર્ફે બલ્યો, અર્જુન ઉર્ફે મુન્ના માઇલક , દિપેશ રાજેશ યાદવ, વિશાલ ઇન્દ્રપાલ યાદવ તથા કાલુએ સાથે મળીને ટેમ્પો ચાલકને લૂંટયો હોવાની કબુલાત કરી હતી. છે દિવસ અગાઉ પણ સાગરીત રોકી ભુપેન્દ્રસિંહ ચૌહાણ,છોટુ રિક્ષાવાળો તેમજ અન્ય બે સાથે મળીને ટ્રકચાલકને છરી મારીને લૂંટયો હતો તો લીંબડીયા પાસે પણ દિવાળી પર્વ દરમ્યાન ટ્રકચાલકને લૂંટયાની કબુલાત કરી હતી આરોપીએ સાગરીતો સાથે મળીને ડભોડા અને ચિલોડા પોલીસ મથક વિસ્તારમાં છ જેટલા ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. હાલ તો ડભોડા પોલીસે ફરાર સાત જેટલા આરોપીઓની શોધખોળ શરૃ કરી છે. પુછપરછ દરમ્યાન અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થયેલી લૂંટના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. 

(6:29 pm IST)