Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગુજરાતના ચીખલીમાં જલારામ બાપાની રરર મી જન્મજયંતીની હર્ષભેર ઉજવણી કરાઇ

જલારામ બાપાના મંદિરે વહેલી સવારે ગોપાલભાઈ મહારાજના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવ્યો

ચીખલી : ચીખલી પંથકમાં ગામે ગામ વિરપુરવાસી જલારામ બાપાની જન્મજયંતીની અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સમરોલીમાં આર્યા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્થાનિક જલાભક્તો દ્વારા આયોજિત જલારામ જયંતિની ઉજવણીમાં મઢુલીમાં જલારામબાપાને છપ્પનભોગ ચઢાવી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યોજાયેલ પૂજામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી જલાબાપાની પૂજા-દર્શન કરી મહાપ્રસાદનો લાહવો લીધો હતો.તલાવચોરા દેસાઈવાડ સ્થિત જલારામ બાપાના મંદિરે વહેલી સવારે ગોપાલભાઈ મહારાજના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.અહીં પણ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. સાથે મહાપ્રસાદમાં અનેક ભક્તો જોડાયા હતા. દેસાઈવાડમાં જલારામ મંદિરે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તલાવચોરામાં તળાવની પાળે નવ નિર્મિત જગદીશ્વર મહાદેવજીના મંદિરે પણ મોટી સંખ્યામાં સ્થાનિકોએ મહાપ્રસાદનો લાહવો લઈ બાપાની પૂજા અર્ચના દર્શન કર્યા હતા. ધેજ ગામના ભરડા ફળીયામાં જીવું તળાવ પાસે નિર્માણ ધીન જલારામ બાપાના મંદિરના સ્થળે વહેલી સવારે સત્યનારાયણ ભગવાનની કથા યોજાતા આસપાસના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવી જલારામ બાપાના દર્શન-પૂજા કરી મહાપ્રસાદ લીધો હતો. ધેક્તિ ગામે અંબાજી માતાના મંદિરના પ્રાગણમાં સ્થાનિક જલારામ ભક્તો દ્વારા મઢુંલીમાં જલારામ બાપાને બિરાજમાન કરી વિશેષ શણગાર સાથે છપ્પન ભોગ ચઢાવી મહાપ્રસાદ યોજાતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ઉપરાંત દેગામ, ખૂંધ, સાદકપોર, ચીખલી, રૂમલા, મોગરાવાડી સહિત અનેક ગામોમાં જલારામ બાપાની પૂજા-અર્ચના સાથે જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

(10:03 pm IST)