Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મહારાષ્ટ્ર ડ્રગ્સ મામલે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા ઉપર લગાવેલા આરોપ સાબિત કરવા કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીનો પડકાર

વિરોધીઓનું માનસ માત્ર ભ્રમણા ફેલાવવાનું છે

ગાંધીનગર : મહારાષ્ટ્ર ડ્રગ્સ કેસ હવે રાજકીય રંગ પકડી ચૂક્યો છે. ડ્રગ્સ કેસને લઈ મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. નવાબ મલિકે કિરીટસિંહ રાણા પર આક્ષેપ કર્યા બાદ હવે ગુજરાત સરકાર અને ભાજપ વતી જીતુ વાઘાણી મેદાને ઉતર્યા છે.. વાઘાણીએ નવાબ મલિકને પડકાર ફેંક્યો છે કે તેઓ કિરીટસિંહ રાણાનું આરોપીઓ સાથેનું કનેક્શન સાબિત કરી બતાવે.

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે કિરીટ સિંહ રાણાનું જાહેર જીવન પ્રમાણિક રહ્યું છે. કોઈને મળવાથી તેની સાથેનું કનેક્શન ફલિત નથી થતું. વિરોધીઓનું કામ ખોટા આક્ષેપો કરીને ભ્રમણા ફેલાવવાનું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી આયનામાં તેમના સંસ્કાર જોઈ લે.

ઉલ્લેખનીય છે કે, NCPના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ જ્યારથી ડ્રગ્સના કેસમાં ફસાયા છે ત્યારથી તે રોજે રોજ પ્રેસ કોન્ફરન્સમાં નવા-નવા આરોપો લગાવી રહ્યા છે. નવાબ મલિક અત્યાર સુધી મહારાષ્ટ્રના મંત્રીઓ પર આરોપ લગાવતા હતા

પરંતુ આજે તેમણે ગુજરાતના ભાજપના મંત્રીઓ પર પણ નિશાન સાધ્યું છે. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- મુન્દ્રા પોર્ટ બાદ દ્વારકામાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, શું આ સંયોગ છે

મલિકે વધુમાં જણાવ્યું હતું કે મનીષ ભાનુશાલી, ધવન ભાનુશાલી, કિરણ ગોસાવી, સુનીલ પાટીલ સહિતના લોકો અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે તેમના નજીકના સંબંધો છે. આ એવા લોકો છે જેઓ ડ્રગ્સના વેપારમાં સામેલ છે. તો મારો પ્રશ્ન એ છે કે શું આ ડ્રગ ગેમમાં ગુજરાતની ભૂમિકા છે કે નહીં

(9:53 pm IST)