Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કોરોનાનો પંજો ફેલાયો અમદાવાદમાં AMC નું તંત્ર સફાળું જાગ્યું

AMTS-BRTS તથા કંકારીયા અને લેંક ફ્રુન્ટ સહિતના સ્થળે વેકસિન સર્ટિફિકેટ ફરજીયાત બનાવ્યા :નહીતો પ્રવેશ નિષેધ

ગુજરાતમાં તહેવારો બાદ ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદ શહેરમાં ગતરોજ 16 કોરોના દર્દીઓ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. ત્યારે કોરોના કેસ વધતા આવતીકાલે 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.

12 નવેમ્બરથી વેક્સિન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.

ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 73 લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 46 લાખ 91 હજાર 647 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 93 હજાર 046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હૉલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

(8:42 pm IST)