Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

20-20 મેચ રમવાવાળો નથી મારો સ્વભાવ ઠંડો છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

કાર્યકરોની મુશ્કેલી મને ખબર છે એટલે કોઈ કાર્યકરોને મુશ્કેલી નહીં પડે મુખ્યમંત્રી એ નવા વર્ષની શુભકામના પાઠવી માત્ર ભાષણો કરવાથી ચૂંટણી ન જીતાય લોકોના દિલ સુધી પોહચવું પડે સી આર પાટીલ પ્રદેશ ભાજપ દ્વારા તાપીના સોનગઢમાં નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, સી.આર.પાટીલ નાનામા નાના કાર્યકરની ચિંતા કરે છે. રાજયના જુદા જુદા વિસ્તારમાં જઇ દરેક કાર્યકરને મળી તેની રજૂઆત સાંભળી તેના પ્રશ્નોનો નિકાલ કરવા હંમેશા તત્પર હોય છે. સાથે હળવા અંદાજમા જણાવ્યું કે મારો સ્વભાવ ઠંડો છે હું 20-20 મેચ રમવા વાળો નથી.

વિક્રમ સંવત 2078ના નવા વર્ષ નિમિત્તે જુદા જુદા જિલ્લાઓમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજીને કાર્યકરોને નવા વર્ષની શુભાકામના પાઠવવાના કાર્યક્રમોનું પ્રદેશ ભાજપ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આજે તાપી જિલ્લાના સોનગઢ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, તમારે ત્યા બેઠેલો વ્યકિત આજે સી.એમ બન્યો છે એટલે કાર્યકરોની મુશ્કેલી મને ખબર છે એટલે કોઇ કાર્યકરને મુશ્કેલી નહી પડે તેમ કાર્યકરોને વિશ્વાસ સાથે જણાવ્યું હતું.

ભાજપના દરેક કાર્યકરમાં હરિફાઇ હોય એ માત્ર કામ કરવાની હોય અને ભાજપમા દરેક કાર્યકર એક પરિવારની ભાવના રાખી જનતાની સેવા કરે છે. આદિવાસી વિસ્તારમાં ભાજપે ઘણા વિકાસના કામો કર્યા છે અને ક્ષિક્ષણ, રોડ-રસ્તા, વિજળી, પાણી અને કૃષિ ક્ષેત્ર વધારે સારા કામ કરી આદિવાસી ભાઇ-બહેનોને વધુ સારી સુવિધા આપવા સરકાર હંમેશા કટીબદ્ધ છે. સંગઠન અને સરકાર સાથે મળી રાજયના દરેક સમાજ અને પ્રજાના વિકાસના કાર્યો સાથે કામ કરી ગુજરાતમાં વિકાસની યાત્રા ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.

પાટીલે સહકાર ક્ષેત્રમાં પણ ડંકો વગાડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને આપેલા વચનો પૂર્ણ કર્યા છે અને એજ કારણ છે કે જનતા આપણા પર વિશ્વાસ મુકે છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સૌને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે પેજ કમિટીના કારણે તાપી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આપણે જીતી શક્યા છીએ. પેજ કમીટીના સભ્યો અને કાર્યકરોએ ભાજપની જીત નિશ્ચિત કરી.

પાટીલે વધુમાં જણાંવ્યું કે આપણે વિધાનસભાની બે બેઠકો અહીથી આપવાની છે. ભાજપના કાર્યકરો 182 બેઠકોની ચિંતા ન કરે દરેક કાર્યકર તેમના પેજની ચિંતા કરે તેમ આહવાન કર્યુ હતું. કાર્યકરોને જણાવ્યું કે જે પેજ જીતશે તે બુથ જીતશે અને બુથ જીતશે તો વિધાનસભા જીતવામાં નક્કી સફળતા મળશે. ચૂંટણીના સમયે દરેક કાર્યકર પેજ પર વધુ ધ્યાન આપે, પેજમાથી દરેક મતદારનું મતદાન થાય તેનું ધ્યાન રાખવા ખાસ આગ્રહ કર્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે, મને ભાજપના દરેક કાર્યકરની કામ કરવાની તાકાત અને સંગઠન પર વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં આપણી જીત નક્કી છે પરંતુ એક એક મતદાર આપણો કાર્યકર્તા બને તેના માટે સૌ કાર્યકરો પ્રયત્નો કરે તેમ જણાવ્યું હતું. સૌ સાથે મળી સરકારની દરેક યોજનાઓને લોકો સુધી પહોંચાડી લાભાર્થીઓને લાભ અપાવવા કાર્યકરોને આહવાન કર્યુ હતું. ભાજપ પાર્ટી એ બીજી અન્ય રાજકીય પાર્ટીઓ કરતા ઘણી અલગ છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, નીતિથી સત્તા પ્રાપ્ત કરી જનતાની સેવા કરવાનો આપણો હેતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરિયાત મંદ લોકો માટે જુદી-જૂદી ઘણી યોજનાઓ બનાવી છે તે લાભ વધુમા વધુ લોકો સુધી પહોંચે તે માટે દરેક કાર્યકર કાર્ય કરે તે માટે આહવાહન કર્યુ. સાથોસાથ તેમણે ટકોર કરી કે માત્ર ભાષણો કરવાથી ચૂંટણી ન જીતાય. લોકોના દીલ સુધી પહોંચવુ પડે અને તે માટે સરકારની યોજનાનો લાભ આપવો જરૂરી છે. સાથે મુખ્યમંત્રીએ દરેક કાર્યકર માટે સોમવાર અને મંગળવારે મંત્રીઓ અને અધિકારીઓ તમને મળી તમારા પ્રશ્નોનું નિવારણ લાવે તેવી સુંદર વ્યવસ્થા કરી છે તે બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

સ્નેહ મિલન કાર્યક્ર્મમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા, રાજયના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય મોહન, માજી મંત્રી કાંતિભાઇ ગામીત, જિલ્લા પ્રમુખ ડો.જયરામ ગામીત, જિલ્લા પ્રભારીઓ અશોક ધોરાજીયા , ડિમ્પલબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ વસાવા, પરેશ વસાવા, સુભાષ પારઘી, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન નરેશ પટેલ સહિત જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ અને નાગરિકો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા

(7:59 pm IST)