Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિરમગામ ખાતે સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

જન્મ જયંતી નિમિત્તે વિરમગામ શહેરમાં શ્રી જલારામ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી : શોભાયાત્રામાં સંતો સહિત ભક્તો જોડાયા

 (વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ઉજવણી વિરમગામ મુકામે ધામધૂમથી કરવામાં આવી હતી. વિરમગામમાં આવેલા શ્રી જલારામ મંદિર અન્નક્ષેત્ર ખાતે વહેલી સવારથી જ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.સવારે શ્રી જલારામ મંદિરે ઝોળી ધોકાનું પુજન કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની શોભાયાત્રા  સૂર્ય ગોવિંદ સોસાયટી ઠક્કર પ્રહલાદભાઈના ઘરેથી નીકળી વિરમગામના રાજમાર્ગો પર ફરી મંદિર મુકામે પહોંચી હતી.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા 30થી વધારે વર્ષોથી વિરમગામ જલારામ મંદિર મુકામે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. છેલ્લા દસેક વર્ષથી બંને ટાઈમ ત્યાં ભોજન પ્રસાદ ભક્તોને જ્ઞાતિ જાતિ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર  કરાવવામાં આવે છે. સમગ્ર કોરોના કાળ દરમિયાન પણ એક દિવસ રસોડું બંધ રાખવામાં આવ્યું ન હતું. અતિથિઓને તે સમયમાં પણ ભોજન પીરસવામાં આવતું હતું. 

 વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી હતી. વિરમગામ ખાતે શોભાયાત્રામાં શ્રી જાનકીદાસ બાપુ, શ્રી રામકુમારદાસ બાપુ, શ્રી રઘુવીર સ્વામિ સહિત ભક્તો જોડાયા હતા.

(6:45 pm IST)