Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આણંદમાં સિનિયર સિટીજન સાથે 1 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

આણંદ : આણંદ શહેરમાં રહેતા એક સીનીયર સીટીઝન સાથે રૂા.૧ લાખ ઉપરાંતની છેતરપીંડી થઈ હોવાનો બનાવ તેમજ સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે રહેતા શિક્ષકને ક્રેડિટ કાર્ડની લીમીટ વધારી આપવાની લાલચ આપી રૂા.૯૭ હજાર ઉપરાંતની છેતરપીંડી થઈ હોવાના બે અલગ-અલગ બનાવો આણંદ સાયબર સેલ ક્રાઈમ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ શહેરના મંગળપુરા રોડ ઉપર આવેલ પરમદ્રષ્ટિ બંગલામાં રહેતા ફ્રાન્સીસ જોસેફ મેસ્કરેન્યસના મોબાઈલ ફોન ઉપર ગત તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજના સુમારે રૂા.૫૧૮૫૮ ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો. જે અંગે તેઓએ બેંકના કસ્ટમર કેરમાં વાત કરતા ક્રેડિટ કાર્ડમાંથી ઓટીપી દ્વારા ટ્રાન્જેક્શન થયું હોવાનું જાણવા મળતા તેઓએ તુરંત જ ફરિયાદ કરી કાર્ડ બ્લોક કરાવી આ અંગે ફરિયાદ કરી હતી. જો કે થોડીવાર બાદ વધુ રૂા.૪૮૪૮૦ અને ૪૭૦૦૦  ડેબિટ કરવામાં આવ્યા હોવાના મેસેજ આવ્યા હતા. જો કે બાદમાં રૂા.૪૭ હજારનું ટ્રાન્જેક્શન ડીકલાઈન કરવામાં આવ્યું હોવાનો મેસેજ આવ્યો હતો. આમ, રૂા.૧,૦૦,૩૩૮ની ઓટીપી દ્વારા કોઈ ગઠીયાએ છેતરપીંડી કરી હોવાનું જણાતા ફ્રાન્સીસભાઈએ આણંદ સાયબર સેલ ક્રાઈમ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

 

(5:57 pm IST)