Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વડોદરાની યુવતીને અમદાવાદના સાસરિયાએ ત્રાસ ગુજારી પરેશાન કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા વડોદરા ગામની યુવતિના આઠ વર્ષ અગાઉ અમદાવાદ ખાતે રહેતાં યુવાન સાથે લગ્ન થયા હતા અને લગ્ન બાદ પતિ, સાસુ અને નણંદ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૃ કરાયું હતું. છેવટે કંટાળીને આ પરિણીતાએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક વડોદરા ગામે રહેતાં કિન્નરીબેન જગદીશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના લગ્ન વર્ષ ર૦૧૩માં અમદાવાદ સીટીએમ ચાર રસ્તા પાસે ધર્મભુમિ એપાર્ટમેન્ટ ડી-૧૧માં રહેતાં ભાવિક ગીરીશભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ ભાવિક, સસરા અને સાસુ સાથે રહેતા હતા. આ લગ્નજીવનથી તેમણે એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જો કે નાની નાની વાતોમાં પતિ અને સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતો અને કહેવાતું કે તારા મા-બાપ ભીખારી છે તને કાંઈ આપેલ નથી..નણંદ ભુમિકાબેન પણ અવારનવાર ઘરે આવતાં હતા અને જેમફાવે તેમ બોલતા હતા. જેથી સંસાર બગડે નહીં તે માટે કિન્નરીબેન ત્રાસ સહન કરતાં હતા પતિ દ્વારા પણ અવારનવાર કહેવાતું હતું કે તારા પગલાં સારા નથી તારા કારણે અમારો ધંધો સારો ચાલતો નથી.. કિન્નરીબેનને એક દિવસ પતિની કારમાંથી અન્ય કોઈ યુવતિના નેલપોલીસ અને મોબાઈલ મળી આવ્યા હતા. જે બાબતે પુછતાં પતિએ જીવતી સળગાવી દેવાની પણ ધમકી આપી હતી. ત્યાંથી તેઓ પિયર આવી ગયા હતા અને પિતા દ્વારા આપવામાં આવેલો સરસામાન લેવા ગયા ત્યારે સાસરીયા દ્વારા પરત આપવામાં આવ્યો નહોતો. જેથી તેમણે ડભોડા પોલીસ મથકમાં પતિ ભાવિક, સાસુ કલ્પનાબેન અને નણંદ ભુમિકાબેન સામે શારીરિક-માનસિક ત્રાસની ફરીયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. 

(5:54 pm IST)