Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુક્રવારે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ વિતરણઃ પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ અને સુશ્રી ડો વિરાજ અમરભટ્ટને સંયુક્ત તાના-રીરી એવોર્ડ ૨૦૨૧ અર્પણ કરાશે

ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ યોજાશે

મહેસાણાઃ  મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તારીખ ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ સાંજે ૦૭-૦૦ કલાકથી તાના-રીરી મહોત્સવ તાના-રીરી ઉધાન ખાતે યોજાનાર છે.આ મહોત્સવમાં ૧૨ તારીખે શુક્વારે સાંજે ૦૭-૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ રહેનાર છે.૧૨ તારીખે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ મુંબઇ દ્વારા શાસ્ત્રીય ગાયન,સુશ્રી  ડો.વિરાજ અમર ભટ્ટ અમદાવાદ દ્વારા શાસ્ત્રીય ગાયન તેમજ શ્રી એલ સુબ્રમણ્યમ મુંબઇ દ્વારા વાયોલીનની પ્રસ્તુતી કરવામાં આવનાર છે.

૧૨ તારીખને શુક્રવારે યોજાનાર સંગીત મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવી,સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ, સંસદ સભ્ય પાટણ ભરતસિંહ ડાભી,ઉંઝાના ધારાસભ્ય ડો આશાબેન પટેલ,ખેરાલુંના ધારાસભ્ય અમજલજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે.       

૧૩ તારીખે શનિવારે સાંજે ૦૬-૦૦ કલાકે યોજાનાર તાના-રીરી મહોત્સવમાં શ્રી નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, શ્રી રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતારજુગલબંધીની પ્રસ્તુતિ થનાર છે

૧૩ તારીખે શનિવારે સાંજે ૦૭-૦૦ કલાકે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ  તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં સમાપન સમારોહ યોજાનાર છે.           

અત્રે ઉલ્લેખનીય છેકે તાના-રીરી મહોત્સવમાં દર વર્ષે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપવામાં આવશે. પદ્મશ્રી કવિતા કિર્ષ્ણમુર્તિ અને સુશ્રી ડો. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આ એવોર્ડ આપવામાં આવનાર છે.આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ ૨,૫૦,૦૦૦ નો ચેક,શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવનાર છે.

તાના-રીરી સંગીત સન્માન એવોર્ડમાં ઉપસ્થિત રહેવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવ અશ્વીની કુમાર,ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ તેમજ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે નિમંત્રણ પાઠવેલ છે.

તાના-રીરી મહોત્સવના મુખ્ય મુદ્દાઓ

- તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ના વર્ષમાં કરી હતી.

- સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ  દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે.

- તાના-રીરી મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત ૨૦૧૦માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્બભાઇ મોદીએ કરી હતી.

- તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ, ૨૦૧૦માં પ્રથમ વર્ષે  ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને  તત્કાલીન માન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

- તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ ૨૦૧૧માં બીજા વર્ષે પદ્મભૂષણ સુશ્રી ગિરિજાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો. ૨૦૧૨માં કિશોરી અમોનકર, ૨૦૧૩માં સુશ્રી પરવિન બેગમ સુલતાન તેમજ વર્ષ ૨૦૧૪નો એવોર્ડ ડૉ .પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો.

- ૨૦૧૬માં શ્રીમતી વિદૂષી મંજુબહેન મહેતા, અમદાવાદ અને ડૉ શ્રીમતી લલિત જે. રાવન મહેતા, બેંગ્લોરને અર્પણ કરાયો હતો.

- ૨૦૧૭માં આ  એવોર્ડ પદ્મભૂષણ ડૉ.શ્રીમતી એન.રાજમ અને સુશ્રી વિદૂષી રૂપાંદે શાહને અર્પણ કરાયો. જ્યારે ૨૦૧૮માં પદ્મશ્રી આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો.૨૦૧૯માં આ એવોર્ડ સુશ્રી અશ્વિની ભીંડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને અર્પણ કરાયો હતો.

- તાનારીરી એવોર્ડ-૨૦૨૦ સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો..

- તાના-રીરી એવોર્ડ વર્ષ-૨૦૨૧ પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ,મુંબઇ અને સુશ્રી ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવનાર છે.આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ ૨,૫૦,૦૦૦નો ચેક,શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવનાર છે.

- તાના-રીરી સંગીત સન્માન એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ ૨,૫૦,૦૦૦નો ચેક,શાલ અને તામ્રપત્ર  ઉપરાંત મોમેન્ટો આપવામાં આવે છે.

- રાજ્ય અને કેન્દ્ર સરકાર કલા અને સાહિત્યના વારસાને જાળવી રાખવાનું કામ કરી રહી છે.

- મહેસાણામાં શાસ્ત્રીય સંગીતની કલાને ઉજાગર કરતો  ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે .

- શાસ્ત્રીય સંગીતના વારસાની જાળવણી અર્થે ઉજવાતા તાના-રીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવને લીધે મહેસાણા જિલ્લો અને ગુજરાત ગૌરવશાળી બન્યા છે.

- સમગ્ર દેશ અને દુનિયાને ગૌરવ અપાવનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મહેસાણા જિલ્લાના વડનગરના પનોતા પુત્ર છે.

- તાના-રીરી નાગર બહેનો સંગીતના મલ્હાર રાગમાં પારંગત હતી. બન્ને બહેનોએ સંગીત સમ્રાટ તાનસેન દ્વ્રારા ગાયેલા દીપક રાગથી તેમના શરીરમાં જે દાહ ઉત્પન થઇ હતી, તેને શાંત કરી હતી.

- આ ધરતીનો ઇતિહાસ જણાવે છે કે, ગમે તેવા ચમરબંધીઓને તાબે આ બહેનો થઇ ન હતી. તાના-રીરી બહેનોએ બાદશાહ અકબરને તાબે થવાને બદલે શરીરનો ત્યાગ કરી, બલિદાન આપ્યું હતું.

- આવી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તાનારીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે. આ બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.

- વડનગર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ધરતી પર ગજબની સાંસ્કૃતિક શક્તિ રહેલી છે.

- વડનગરની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર તેના બે હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠી છે. જગતના ઇતિહાસમાં નગર સંસ્કૃતિનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે.

- પ્રાચીન સમયમાં દ્વારકા, મોઢેરા અને વડનગર એમ ત્રણ નગરીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. આજે આપણે વડનગરની સંગીત પરંપરાની વાત કરવી છે. વડનગરની સ્થાપના થયા પછી આ નગરી સંગીત,કલા,ગાયન,વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત બની છે.

- આવી વિરાંગના કલાધારિણી બેહનોને સુરાંજલિ અર્પવા માટે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો દર્શકો આ મહોત્સવનો છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી લાભ લઇ રહ્યા છે.

- કલા,સંગીત,સંસ્કારના વારસાને યુગાંતર સુધી જનસહયોગથી સાચવી રાખવીની પ્રતિબદ્ધતા એટલે તાના-રીરી મહોત્સવ.

(5:36 pm IST)