Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમદાવાદના યુવક તથા તેના ગ્રુપને માલદીવ જવા માટે 13 લાખ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના વેપારીને આપી દીધા બાદ વિમાનની ટિકીટ બુક ન કરાવીને ચુનો લગાવી દીધો

સોલા હાઇકોર્ટ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ બાદ પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

અમદાવાદ: ગોતામાં રહેતા યુવક અને તેના ગ્રુપને માલદિવ જવુ હોવાથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરતા વેપારીને વિમાનની ટીકીટના રૂ. 13 લાખ આપ્યા હતા. વેપારીએ યુવક અને તેના ગ્રુપની વિમાનની ટીકીટ બુક ન કરાવી રૂ.13 લાખનો ચૂનો લગાવી દીધો હતો. આ અંગે યુવકે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોતાના પટેલવાસમાં રહેતા દિશાંત પટેલ કન્ટ્રક્શનનો વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના જ ગામમાં છેલ્લા બે વર્ષથી સચિનભાઈ સોની કે જેઓ ગાંધીનગરના દહેગામ ખાતે ભક્તિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર ધંધો કરતા હોવાથી તેમને વેપાર ધંધાના કામે અવાર નવાર મળવાનુ થતું હતું. જેથી એક બીજાને સારી રીતે ઓળખતા હતા.

દિશાંતભાઈના પરીવારને ગોવા ખાતે ફરવા જવાનું આયોજન કર્યું હોવાથી વિમાનની ટિકિટ બુક માટે સચિનભાઈનો સંપર્ક કર્યો હતો. સચિનભાઈને બુકિંગ કરાવા માટે રૂ.3 લાખ આપ્યા હતા. તે સમયે ગોવાનો પ્લાન કેન્સલ કરીને 17 જણાનો માલદિવ ખાતે જવાનો પ્લાન બનાવ્યો હતો.

એરીસ્ટો આલયમ નામની સ્કીમની ઓફીસની પાસેથી ટીકીટ બુક કરી આપવાનું કહીને રૂ.6 લાખ સચિને મેળવી લીધા હતા. અગાઉના 7 અને પછીના 6 એમ કુલ રૂ.13 લાખ મેળવી લીધા તેમ છતા એર ટિકિટનું બુકિંગ કરાવી આપ્યું ન હતુ. દિશાંતભાઈએ સચિનભાઈ પાસે પૈસા પરત માંગ્યા ત્યારે સચિન પૈસા આપવાની બાબતે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. આમ વિમાનની ટીકીટ બુક કરી આપવાનું કહીને પૈસા પડાવીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

(5:16 pm IST)