Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કાલથી નિરામય ગુજરાત યોજના પ્રારંભ : બીપી, ડાયાબીટીસ, કેન્સર, હૃદય વગેરેની મફત તપાસ

ખેડામાં રાજ્ય કક્ષાનો સમારોહઃ ૩૦ વર્ષથી વધુ વયના લોકોને સરકારી સેવાનો લાભ

રાજકોટ,તા.૧૧ : સરકારના પ્રવકતા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ નૂતન વર્ષ નિમિત્ત્।ે રાજયના સૌ નાગરિકોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યો છે. એટલુ જ નહિ રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા અને એ તરફ જતા રોકવા માટે પણ રાજકીય દ્રઢ ઇચ્છા શકિત સાથે ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માદક દ્રવ્યો સામે કાર્યવાહી કરવા આગામી સમયમાં પણ ખાસ ડ્રાઇવ હાથ ધરાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ હેઠળ મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશવ્યાપી શરુ કરેલ PM ગતિશકિત પ્રોજેકટ અંતર્ગત પણ ગુજરાતમાં સત્વરે કામગીરી હાથ ધરી આ ક્ષેત્રે પણ ગુજરાત રોલ મોડલ પુરવાર થશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તેમજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજયના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી 'નિરામય ગુજરાત યોજના' જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કાલે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી, જયારે સવારે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજયના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીશ્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

તેમણે ઉમેર્યુ હતું કે આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજયમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજયના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂ.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજયના લોકોની આરોગ્ય સુખાકારી માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની ગુણવત્ત્।ાની તપાસ-ચકાસણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં રૂ.૪૫ લાખના ખર્ચે 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ'શરૂ કરવામાં આવી છે. જેનાથી વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અટકાવી શકીએ.

તેમણે કહ્યું હતું કે, દૂધમાં થતી ભેળસેળ સામે સરકાર કડક હાથે કામ લઇ રહી છે. જેના માટે આ વાનમાં મિલ્ક એનાલાયઝર-મિલ્કો સ્કેન મીટર મુકવામાં આવ્યુ છે જેનાથી દૂધમાં થતી ભેળસેળની સ્થળ તપાસ કરી તેમાં થતી ભેળસેળ અટકાવી શકાશે.

(3:03 pm IST)