Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગીર ગાયથી પ્રભાવિત થયા આસામના મુખ્યમંત્રી : ગાય ખરીદવા તાબડતોબ મોકલી ટીમ

 અમદાવાદ,તા.૧૧ : ભારતમાં ગીર ગાય એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ છે. તે ગુજરાત રાજ્યમાં આવેલા ગીરના જંગલ -દેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દુધ ઉત્પાદકતા માટે જાણીતી છે. ગીર ગાયનો ડંકો વિદેશ સુધી વાગે છે કારણકે, તેની દૂધ ઉત્પાદક ક્ષમતા અન્ય ગાય કરતા વિશેષ હોય છે.ગુજરાતની ગીર ગાય દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે. ત્યારે હવે અન્ય રાજ્યોમાં પણ ગીર ગાયની માગ વધી છે.આસામના મુખ્યમંત્રી હીમંતા બીસ્વા શર્મા ગીર ગાયથી પ્રભાવિત થયા છે.

 આસામના પશુપાલકોમાં પણ ગીર ગાયની માગ વધી છે.જેને લઈને આસામ સરકારે ગીર ગાયની ખરીદી માટે પોતાની ટીમને ગુજરાતમાં મોકલી છે. ગીર ગાયની માગને જોતા આસામના કૃષિ નિયામક અને પશુપાલક સચિવે કૃષિ મંત્રી સાથે બેઠક કરી હતી.તથા આ બાબતે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.અને પશુપાલકો પાસેથી ગીર ગાય ખરીદી બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ આસામ સરકારે ટ્રાયલ બેઝ પર ગીર ગાયની ખરીદી કરી હતી.

 ગીરની ગાયની કેટલીક વિશેષતાઓ છે જેમ કે ઊંચાઈ,વજન સહીત શરીરનો રંગ અન્ય ગાય પ્રજાતિ કરતા જુદો તરી આવે છે.ગીર ગાયને તેના રંગ અને શીંગડાનાં આકારથી પણ પશુપાલકો ઓળખી કાઢે છે. ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે . કાન લાંબા હોય છે અને લટકતા રહે છે.

 તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્ય પ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. તે મધ્યમ થી મોટા કદમાં જોવા મળે છે. માદા ગીર ગાયનું સરેરાશ વજન ૩૮૫ કિલો અને ઊંચાઈ ૧૩૦ સેમી હોય છે, જ્યારે નર ગીર ગાયમાં સરેરાશ વજન ૫૪૫ કિલો અને ઊંચાઇ ૧૩૫ સેમી હોય છે. તેના શરીરની ત્વચા ખૂબ જ ઢીલી અને લચીલી હોય છે. શીંગડાં પાછળ તરફ વાંકા વળેલા હોય છે.

(1:12 pm IST)