Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

બજેટ ફુલગુલાબી આવશે ચૂંટણી વહેલી આવે તો લેખાનુદાન

ગુજરાતના અર્થતંત્રને 'કળ' વળી રહી છેઃ ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરબોજની શકયતા નહિવતઃ આકર્ષક યોજનાઓ અપાશે

રાજકોટ તા. ૧૧ :.. ગુજરાતમાં સત્તા ક્ષેત્રે નેતૃત્વ પરિવર્તન પછી આગામી ફેબ્રુઆરીમાં પ્રથમ બજેટ સત્ર મળવાપાત્ર છે. ર૦રર ના ઉતરાર્ધમાં રાજયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી નવા નાણાકીય વર્ષનું  બજેટ ફુલગુલાબી રહેશે. તેમ સરકારી સૂત્રોનું કહેવું છે. રાજયના બજેટની પ્રાથમિક તૈયારી શરૂ થઇ ચૂકી છે. શ્રી કનુભાઇ દેસાઇ નાણામંત્રી બન્યા પછી પ્રથમ વખત બજેટ રજૂ કરનાર છે. હાલ જે અટકળો થઇ રહી છે તે સાચી પડે અને વિધાનસભાની ચૂંટણી અન્ય પાંચ રાજયોની સાથે જ વહેલી આવી જાય તો પૂર્ણ બજેટના બદલે લેખાનુંદાન રજૂ થાય તેવી શકયતા ડોકાઇ રહી છે. ગુજરાતમાં સામાન્ય રીતે બજેટ સત્ર ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયાથી માર્ચ સુધી ચાલે તેવી પરંપરા છે.

રાજયમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર નોંધપાત્ર પ્રમાણમાં કોઇ કરવેરા વધારે તેવી શકયતા નહિવત છે. અમુક વેરામાં ઘટાડો કરે તો પણ નવાઇ નહિ. કોરોનાની કળ વળતા રાજયની આવકમાં વધારો થયો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ચૂંટણીલક્ષી આકર્ષક યોજનાઓ આવવાનો રસ્તો ખૂલ્યો છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો વગેરે માટે લાભદાયી નવી યોજનાઓ આવવાના સંજોગો છે.

ગોવા, મણિપુર, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત આવતી ૧પ થી ર૭ માર્ચ વચ્ચે પુરી થઇ રહી છે. યુપીમાં ૧પ મેએ મુદત પુરી થાય છે. પાંચેય રાજયોમાં ફેબ્રુઆરી-માર્ચમાં એક સાથે ચૂંટણી આવવાપાત્ર છે. ગુજરાતની ચૂંટણી આવતા નવેમ્બરના બદલે આઠેક માસ વહેલી આપી દેવામાં આવે તેવી શકયતા રાજકીય સમીક્ષકો દર્શાવી રહ્યા છે. ભાજપ માટે ગુજરાત- ઉત્તર પ્રદેશ બન્ને મહત્વના હોવાથી બન્ને ચૂંટણી સાથે આવવાની

શકયતા નથી તેવું એક વર્ગનું માનવુ છે. ભાજપ અને સરકારના  વર્તુળો ચૂંટણી સમયસર જ આવવાનો દાવો કરે છે. હાલ જો અને તો આધારિત અનુમાનો થઇ રહ્યા છે. જો પાંચ રાજયોની સાથે ગુજરાતની ચૂંટણી કરવાની થાય તો રાજયમાં બજેટના બદલે ૪ માસનું લેખાનુંદાન રજૂ કરવુ પડે તેવા સંજોગો થશે. બજેટ પૂર્વ અને  બજેટ વખતે સરકારી આકર્ષક યોજનાઓની  હારમાળા સર્જવાની તૈયારી થઇ રહી છે તેમ સરકારી સૂત્રો જણાવે છે.

(11:28 am IST)