Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

દિવાળીમાં અંબાજી મંદિરનો ભંડારો છલકાયોઃ ભકતોએ દિલ ખોલીને સોનું-ચાંદી, રોકડ અર્પણ કર્યા

અંબાજીના ભંડારામાં કુલ ૬૭,૧૯,૯૩૫ રૂપિયાની આવક થઈ હતીઃ ભંડારાની આવકની ગણતરીમાં ૭૦-૮૦ લોકો જોડાયા હતા

અંબાજી, તા.૧૧: દિવાળીના પર્વ દરમિયાન લોકો સામાન્ય રીતે દેવદર્શને જતાં હોય છે. ગુજરાતના મોટાભાગના પવિત્ર યાત્રાધામોમાં ભકતોની ભીડ જોવા મળે છે. દિવાળી દરમિયાન શકિતપીઠ અંબાજીમાં પણ ભકતોની ભારે ભીડ ઉમટી હતી. એકમથી પાંચમ સુધી રાત્રે ૧૧ વાગ્યા સુધી મંદિર ભકતો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન આવેલા ભકતોએ દિલ ખોલીને મા અંબાના ચરણમાં ચડાવો મૂકયો હતો અને અંબાજી મંદિરનો ભંડાર છલકાઈ ગયો હતો.

અંબાજીના ભંડારામાં કુલ ૬૭,૧૯,૯૩૫ રૂપિયાની આવક થઈ હતી. ભંડારાની આવકની વિગતે વાત કરીએ તો, ભેટ કાઉન્ટરમાં ૨૨,૬૧,૦૦૧ રૂપિયા આવક થઈ. માતાજીની ગાદી પર ૬,૫૬,૭૦૧ રૂપિયા, સોનું ૧૯૯ ગ્રામ, ચાંદી ૨૦૩૨ ગ્રામ, સાડીની આવક ૧૦૯૭ નંગ થઈ. જયારે સાડી વેચાણ ૯૭૩ નંગ, પ્રસાદીના નાના ૧,૮૬,૬૪૧ પેકેટ વેચાયા, પ્રસાદીના મીડિયમ પેકેટ ૫૪,૨૪૧ અને પ્રસાદીના મોટા ૨૨,૦૧૮ પેકેટ વેચાયા હતા. ભંડારામાં થયેલી આવકની ગણતરી બુધવારે હાથ ધરાઈ હતી.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પ્રોટોકોલ સાથે મંદિરો ખોલવાની છૂટ આપી હતી. જેને પગલે અંબાજી મંદિરમાં ભંડારો ખોલવામાં આવ્યો હતો. દિવાળી સિઝનના ભંડારાની આવકની ગણતરીમાં ૭૦ થી ૮૦ લોકોનો સ્ટાફ જોડાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગત વર્ષે કોરોનાના લીધે મંદિર બંધ રહ્યું હતું પરંતુ આ વર્ષે છૂટછાટ મળતાં જ ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભકતોને આરતીમાં પણ પ્રવેશ અપાયો હતો. માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવાયો હતો.

ગુજરાતના સુપ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજીમાં ૫ નવેમ્બરે બેસતા વર્ષના દિવસે સવારે ૬ વાગ્યે મંગળા આરતી થઈ હતી. અંબાજી મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં માઈભકતોએ દર્શન કર્યા હતા. તહેવારો દરમિયાન ભકતોએ દિલ ખોલીને માતાજીના ચરણમાં ભેટ અર્પણ કરી હતી અને ભંડારો છલકાવ્યો હતો. માતાજીના સુવર્ણ શિખર માટે અને માતાજીના દાગીના માટે સોનું પણ દાન કરવામાં આવ્યું હતું.

(10:43 am IST)