Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રૂપાણી સરકારનો મોટો નિર્ણય: ફીક્સ પગારના કર્મચારી મૂળ સંવર્ગની સેવામાં પરત ફરી શકશે

આ લાભ તેઓની નવી નિમણૂંકના એક વર્ષ સુધીના સમયગાળા માટે જ મળશે

અમદાવાદ :ફીક્સ પગારથી નિમણૂંક પામેલા કર્મચારીને મૂળ સંવર્ગની સેવામાં પરત આવવાનો લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ આ લાભ તેઓની નવી નિમણૂંકના એક વર્ષ સુધીના સમયગાળા માટે જ મળશે. આવી રીતે મૂળ સંવર્ગમાં પરત આવનારા ફીક્સ પગારના કર્મચારી તેમના તરત અગાઉના મૂળ સંવર્ગની પ્રવરતા ગુમાવશે. અને તેઓની નવી નિમણૂંક ગણાશે. તથા અગાઉના જે સંવર્ગમાંથી પરત આવે છે તે સંવર્ગની સેવા કોઇપણ સંજોગોમાં સળંગ સેવા તરીકે ગણાશે નહીં. આ લાભ સમગ્ર સેવાકાળ દરમિયાન ફક્ત એક જ વાર મળશે.

રાજયના નાણાં વિભાગ દ્વારા 2006ની નિતિ અંતર્ગત સીધી ભરતીથી નિમણૂંક પામેલા ફીક્સ પગારના કર્મચારી તેઓની ફીક્સ પગારની સેવાઓ દરમિયાન નિયત ભરતી પ્રક્રિયાને અંતે સમાન સંવર્ગની અન્ય જગ્યા ઉપર, ઉપલા સંવર્ગની જગ્યા કે નિયમિત પગાર ધોરણની જગ્યા ઉપર પસંદગી પામે ત્યારે હાલની ફીક્સ પગારની જગ્યા ઉપરથી રાજીનામું આપીને નવી જગ્યા ઉપર નિમણૂંક મેળવતા હોય છે. પરંતુ કેટલીક વાર સામાજીક કારણોસર, ભૈગોલિક પરિસ્થિતિઓ તેમ જ અન્ય કારણોસર તેઓને નવી નિમણૂંક મેળવેલી જગ્યા અનુકુળ આવતી નથી.

આ સંજોગોમાં આ કર્મચારીને તેઓના અગાઉની મૂળ જગ્યા પર પરત જવા અંગેની કોઇ જોગવાઇઓ ન હતી. પરંતુ ચર્ચા વિચારણાંના અંતે રાજયના નાણાં વિભાગે એક સંવર્ગમાંથી રાજીનામું આપી અન્ય સમાન સંવર્ગ કે ઉપલા સંવર્ગની ફીક્સ પગારની કે ઉપલાં સંવર્ગની નિયમિત પગાર ધોરણની જગ્યાની સેવામાંથી તેની તરત અગાઉના મૂળ સંવર્ગમાં (રાજીનામું આપેલી જગ્યા)એ પરત જવા રજૂઆત કરે ત્યારે તેવા કર્મચારીને અગાઉની મૂળ જગ્યાએ સેવામાં પરત આવવાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ આ લાભ તેઓને એક વર્ષ સુધીના સમયગાળા માટે અપાશે. અને આ લાભ સમગ્ર સેવાકાળ દરમિયાન ફક્ત એક જ વાર મળશે. જો કે ફીક્સ પગારના કર્મચારીને તેમના મૂળ સંવર્ગમાં શિસ્ત વિષયક કારણોસર છૂટા કર્યા હશે કે પછી સેવા સમાપ્ત કરી હોય કે પછી નવી સેવામાં શિસ્ત વિષયક બાબતે છૂટા કર્યા હોય કે શિસ્ત વિષયક કાર્યવાહી ચાલુ કે પડતર હોય તેવા કિસ્સામાં આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે નહીં. ઉપરાંત ફીક્સ પગારના આવી રીતે બદલી કરાવનારા અથવા મૂળ સંવર્ગમાં પરત જનારા કર્મચારી/ અધિકારીનો સંવર્ગ બદલ્યા પછીનો જે પગાર થતો હોય તેના માસિક કુલ પગારના પંદર દિવસનો પગાર વસૂલ કરવાનો રહેશે તેમ જ જે તાલીમ લીધી હોય તેનો ખર્ચ પણ વસૂલ કરવામાં આવશે.

(9:53 pm IST)