Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા નારોલમાં ઍનઓસી બાબતે ૨૫ ઔદ્યોગિક ઍકમો સીલ કરાયાઃ આગ-અકસ્માત નિવારવા રાજ્ય સરકારની કડક કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ને દિવસે ઠેર-ઠેર આગની ઘટનાઓ સતત વધતી જાય છે. તાજેતરમાં જ અમદાવાદના પીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જવાથી 12 લોકોના મોત થયા અને 10 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યાર બાદ AMC તંત્ર ઊંઘમાંથી જાગ્યુ હતું.

AMCએ કેમિકલ ફેક્ટરીઓના વેર હાઉસ તેમજ ગોડાઉનમાં રેડ કરવાની શરૂ કરી દીધી હતી. જેમાં દક્ષિણ ઝોન દ્વારા 6 ગોડાઉન વેર હાઉસ સીલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે આજે શહેરના ફાયર વિભાગ દ્વારા પણ નારોલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નારોલ વિસ્તારમાં સર્વે હાથ ધરાયા બાદ કુલ 25 એકમો સીલ કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પીપળજની રેવાભાઈ અને નાનુભાઈ એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમિકલ બ્લાસ્ટને કારણે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આ બ્લાસ્ટથી ધાબા અને શેડ તૂટી જતા 12ના મોત અને 10 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેમિકલ ફેક્ટરીઓના વેર હાઉસ તેમજ ગોડાઉનમાં રેડ કરી દ. ઝોન દ્વારા 6 ગોડાઉન વેર હાઉસ સીલ કરવામાં આવ્યાં હતાં. આ ગોડાઉન વેર હાઉસ પરવાનગી વગર તેમજ ફાયરની NOC વગર ચાલતા હોવાનું સામે આવ્યું હતું.

જેના લીધે AMC દ્વારા આ વેર હાઉસ, ગોડાઉન સીલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ મહત્વની બાબત એ છે કે લોકોના જીવ ગુમાવ્યા બાદ AMCને પોતાની જવાબદારી યાદ આવી હતી. એ જ રીતે શહેરમાં હજી ઘણાં એવાં કોમ્પલેક્ષ તેમજ ફેક્ટરીઓ હશે કે જ્યાં ફાયર સેફ્ટીના કોઇ જ સાધનો પૂરતા નથી. પરંતુ તેમ છતાં અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે આ ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ (એકમો) કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં છે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.

અત્રે મહત્વનું છે કે, ગુજરાતમાં આજે પણ બુધવારના રોજ બે જગ્યાએ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ભરૂચમાં પાનોલી GIDCમાં સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં (Gujarat Fire News) આગ લાગી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થવાના લીધે આ આગ લાગી હોવાનું કહેવાય છે. આ આગ બુઝાવવા માટે ત્રણ ફાયર ફાઇટરો દોડી ગયા છે. આગ પર ટૂંક સમયમાં અંકુશ મેળવી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જાનહાનિના કોઈ જ સમાચાર નથી.

બીજી બાજુ અમદાવાદમાં દર્પણ છ રસ્તા નજીક આવેલી સંપ્રતિ રેસિડેન્સના આઠમાં માળે 801 નંબરના ફ્લેટમાં લાગી હતી. અહીં 3 BHKના ઘરના ચિલ્ડ્રન્સ રૂમમાં આગ લાગી હતી. જ્યાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ઘટનાસ્થળે જઇને આગ બૂઝાવી દેતા વધારે ફાયર બ્રિગેડની ગાડીની જરૂર ન હોતી પડી. જો કે આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(6:12 pm IST)