Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હિટ એન્ડ રન: ગાંધીનગર નજીક નોકરીએ જઈ રહેલ યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાને ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ તો વધી જ રહી છે પરંતુ તેમાં હીટ એન્ડ રનની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની રહી છે. અકસ્માત સર્જનાર વાહનચાલકો ઉભા રહેવાની તસ્દી લેતાં નથી કે ઘાયલ થતાં લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરતાં નથી. ત્યારે આવી જ એક ઘટના કલોલના બોરીસણાના યુવાનનું મોત નીપજયું હતું. આ અંગે રતનજી જુહાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમનો ર૭ વર્ષીય પુત્ર વિજયજી કારોલી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો અને ગત રવિવારે સાંજે નોકરી પૂર્ણ કરી તેનું બાઈક લઈને ઘરે આવ્યો હતો. ઓવરટાઈમ કરવાનો હોવાથી ઘરે જમીને વિજયજી પરત નોકરીએ જવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ સાડા દસ વાગ્યાના સુમારે રતનજી પણ મીલમાં નોકરી માટે તેમનું બાઈક લઈ નીકળ્યા હતા. આ જ સમયે મોટી ભોયણથી ખાત્રજ જતાં રોડ ઉપર જીઆઈટી કોલેજથી થોડેક દુર રોડ ઉપર ટોળું ઉભેલું જોઈને રતનજીએ પણ તેમનું બાઈક થોભાવી દીધું હતું અને ટોળામાં જઈ તપાસ કરતાં અકસ્માતગ્રસ્ત બાઈક પાસે તેમના પુત્રનો મૃતદેહ પડયો હતો. જેના પગલે તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ સાંતેજ પોલીસે આ મામલે તેમની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે

(5:31 pm IST)