Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગાંધીનગર નજીક થોડા દિવસ પહેલા યુવાનની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર નજીક આવેલા રીંગરોડ ઉપર ભાટ ટોલ ટેક્સ પાસે થોડા દિવસ અગાઉ એક યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ થઈ હતી અને તેના જ મિત્રોએ રૂપિયાની લેતીદેતીમાં તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે ફરાર થઈ ગયેલા તેના મિત્રોને બાતમીના આધારે પોલીસે ઝડપી લીધા છે અને તેમની પુછપરછમાં સાત લાખ રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આજે તેમને કોર્ટમાં રજુ કરી તા.૧પમી સુધીના રીમાન્ડ મેળવાયા છે.

ગાંધીનગર શહેર નજીક આવેલા સરદાર પટેલ રીંગરોડ ઉપર ભાટ ટોલ ટેકસ પાસે રોડની સાઈડમાં ઈન્ફોસીટી પોલીસ યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જયાં આ યુવાન રામોલમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતો જયેશ સુરેશભાઈ કોષ્ટી હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાનના મિત્રોએ જ તેની હત્યા કરી હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી. કોલ સેન્ટરના ધંધા સાથે સંકળાયેલા તેના મિત્રો રૂપિયાની લેતીદેતીમાં અવારનવાર કોલ સેન્ટરમાં લઈ જઈને ધાકધમકી પણ આપતાં હતા. જેથી પોલીસે આ શંકાના પગલે ભૂગર્ભમાં ઉતરી ગયેલા તેના મિત્રોની પણ શોધખોળ શરૂ કરી હતી. ઈન્ફોસીટી પીઆઈ ડી.જી.તળવી અને હેકો.મૃગેન્દ્રસિંહ સહિત પોલીસ ટીમે આરોપીઓની તપાસ કરતાં બાતમી મળી હતી કે મહેસાણાથી વાહનમાં આ લોકો ઉવારસદથી ગાંધીનગર તરફ આવી રહયા છે જેના આધારે ધવલ ઉર્ફે ધીરૂભાઈ ઉર્ફે ભુવાજી પ્રભાતભાઈ રબારી રહે.શુભલક્ષ્મી સોસાયટી આંબલીયાસણ, મહેસાણા, સંદીપ ધીરૂભાઈ રબારી રહે.ર૪ ભાગ્યોદય નગર સીટીએમ-હાટકેશ્વર રોડ અમદાવાદ અને હેપ્પી હીરાભાઈ રબારી રહે.વટવાભાઈની ચાલી અમરાઈવાડી અમદાવાદને ઝડપી પાડયા હતા. જેમના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ગઈકાલે તેમની અટક કરવામાં આવી હતી અને પુછપરછમાં ખુલ્યું હતું કે મૃતક યુવાન જયેશના તેમને સાત લાખ રૂપિયા આપ્યા હતા જે આપતો નહોતો. હિસાબ કરવા માટે બોલાવી પોતાની ગાડીમાં બેસાડીને ભાટ ટોલનાકા પાસે લઈ આવ્યા હતા જયાં હેપ્પી અને સંદિપે જયેશને પકડી રાખ્યો હતો જયારે ધીરજે તેની પાસે રહેલી છરીથી હુમલો કરી હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી તા.૧પમી સુધીના રીમાન્ડ મેળવ્યા છે જયારે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.

(5:31 pm IST)