Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

30 નવેમ્‍બરે નરેન્‍દ્રભાઇ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્‍યતાઃ કચ્‍છના માંડવીમાં આકાર લઇ રહેલા દુનિયાના સૌથી મોટા પુનઃ પ્રાપ્‍ત ઉર્જા પાર્ક અને ડીસેનિલેશન પ્‍લાન્‍ટ-સોલાર એનર્જી પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરશે

ગાંધીનગર: તાજેતરમાં એક્તા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાજરી આપ્યા બાદ ફરીથી ટૂંકા ગાળામાં પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 30 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેકટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. જે દુનિયાનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ત ઉર્જા પાર્ક અને ડીસેનિલેશન પ્લાન્ટ છે.

ગત ગુજરાત મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તો સાથે જ તેઓ કેશુભાઈ પટેલ અને કનોડિયા બંધુઓના નિધન બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવા પણ ગયા હતા.

આજે અમિત શાહ પણ ગુજરાતમાં

ગૃહમંત્રી અમિત શાહ આજે નવરાત્રિ બાદ આજે ફરીથી ગુજરાત આવશે. તેઓ ભૂજના મા મઢવાળીના દર્શન કરશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા અમિત શાહનો કાર્યક્રમ જાહેર કરાયો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવવાના છે. ત્યારે બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે ધોરડો કાર્યક્રમમાં અને ત્યારબાદ દેશદેવીના દર્શનાર્થે માતાના મઢ જશે.

ગૃહમંત્રી આજે સાંજે ભૂજ આવી પહોંચશે. જેમાં તેઓ ભૂજ અથવા તાલુકાના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે. તો આવતીકાલે ગુરુવારે ધોરડો ખાતેના સરપંચ સંમેલનમાં ભાગ લેશે. દેશદેવી મા આશાપુરાને માથું ટેકવવા માતાના મઢ જશે, જેને લઇને માતાના મઢમાં પણ હેલીપેડ બનાવાયું છે, તો તેઓ લખપત તાલુકાના સરહદી ગામોમાં જશે તેવી શક્યતા છે. જોકે આ અંગે તંત્ર દ્વારા સત્તાવાર કોઇ જ કાર્યક્રમ જાહેર કરાયો નથી. સરહદે વિવિધ એજન્સીઓ પણ સક્રિય કરી દેવાઈ છે.

(4:26 pm IST)