Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બાળકોને 7 મહિના સુધી ઘરમાં સાચવી લીધા, હજુ 2 થી 3 મહિના સાચવવા ખૂબ જ જરૂરી, અભ્‍યાસ કરતા બાળકોના જીવ મહત્‍વનાઃ અમદાવાદના ડો. મોના દેસાઇનો કોરોનાકાળમાં અભિપ્રાય

અમદાવાદ: એક તરફ શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ ગુજરાત સરકાર દિવાળી બાદ સ્કૂલો ફરી શરૂ કરવા વિચારણા કરી રહી છે. આ અંગે એસઓપી તૈયાર કરવા પણ સૂચના આપી દેવાઈ છે. ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત ગાઈડલાઈન સાથે સ્કૂલ ફરી શરૂ કરવા તૈયારી કરાઈ રહી છે. તો બીજી તરફ, ડિસેમ્બરથી સ્કૂલો ફરી શરૂ થાય તો બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. બાળ નિષ્ણાંત ડો. મોના દેસાઈનો જાણો શુ છે તેમનો મત.

ડો. મોના દેસાઈએ કહ્યું કે, તજજ્ઞોના મત મુજબ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બાળકોને સ્કૂલ મોકલવા જોખમી સાબિત થઈ શકે છે. બાળકોને 7 મહિના સુધી ઘરમાં સાચવી લીધા, ત્યારે હજુ 2 થી 3 મહિના સાચવવા ખૂબ જ જરૂરી છે. અભ્યાસ કરતા વધારે મહત્વનું બાળકોનો જીવ છે. વધતા સંક્રમણ વચ્ચે બાળકોનો જીવ જોખમમાં મૂકવામાં આવે એ યોગ્ય નથી. અનેક લોકો બહાર નીકળતા સમેય માસ્ક નથી પહેરતા, સોશિયલ ડીસ્ટન્સિંગ નથી રાખતા, તો બાળકો પાસે અપેક્ષા નાં રાખી શકાય.

તેઓએ કોરોના સંક્રમણ ફેલાવાના ડર વિશે કહ્યુ કે, દરેક માં-બાપ માટે બાળકોનું આરોગ્ય સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. બાળકોને કોરોના થાય તો લક્ષણ નથી દેખાતા હોતા એવામાં તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે. લક્ષણ નાં દેખાય તો અન્ય બાળકો તેમજ તેમના કુટુંબમાં પણ સંક્રમણ ફેલાવાનો ડર રહેશે. તો બાળકોમાં લક્ષણ નાં દેખાતા તેમની સ્થિતિ અચાનક નાજુક બનતી હોય છે. સ્કૂલ બાળકોને માસ્ક પહેરાવી રાખવાની જવાબદારી સ્વીકારે એ જરૂરી છે. જો સ્કૂલ જવાબદારી સ્વીકારે તો જ બાળકોને સ્કુલ મોકલવાનું વિચારી શકાય.

તેમણે કહ્યું કે, સ્કૂલો શરૂ થાય તો પણ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ જ રહેશે, વાલીઓએ એ જ વિકલ્પ પસંદ કરે તો હિતાવહ રહેશે. સ્કૂલમાં શિક્ષકો સહિત અન્ય સ્ટાફ આવતો હોય છે, એમાંથી કોઈ એક સંક્રમિત હોય તો બાળકોને સંક્રમણ થવાનો ભય રહેશે.

(4:24 pm IST)