Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિપાવલી તહેવારમાં અરવલ્લી જીલ્લામાં 13 ફૂટ ઉંચુ મેરાયુ વર્ષોથી અડીખમઃ ગ્રામજનો દ્વારા દિવાળીના દિવસે તેલ પુરાય છે અને દેવદિવાળી સુધી પૂજા અને માનતાનું મહત્‍વ

અરવલ્લી: દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરાયું લઇને તેલ પુરવા માટે નિકળે છે. કહે છે કે, આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળિયામાં થાય દિવાળી, પણ આ જે આ શબ્દો કદાચ ઓછા સાંભળવા મળતા હશે, એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ, 13 ફૂટ ઊંચુ મેરાયું વર્ષોથી અડીખમ છે. લોકો હજી પણ આ પરંપરા ન માત્ર જાળવે છે પણ તેમનો વિશ્વાસ આજે પણ અડીખમ છે.

દિવાળી આવે એટલે નાના ગામડા અને નગરોમાં મેરાયા પ્રગટાવી તેલ પુરવાની પ્રથા જોવા મળતી હોય છે. પણ ધીરે ધીરે આ પરંપરા પણ લુપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં અરવલ્લી જિલ્લામાં તેર ફૂટ ઉંચા મેરાયામાં તેલ પુરવાની પ્રથા આજે પણ યથાવત છે. મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર આવેલા તેર ફૂટ ઉંચા મેરાયામાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે. દેવદિવાળી સુધી તેની પૂજા કરવામાં આવે છે. ગ્રામજનો આ મેરાયાની માનતા પણ રાખતા હોય છે અને માનતા પુર્ણ થાય ત્યારે જ દિવાળીના દિવસે આ મેરાયામાં તેલ પુરવા માટે આવે છે. દિવાળી નજીક આવતા ગ્રામજનો દ્વારા મેરાયાની સાફ સફાઈ તેમજ જાળવણી કરવાની તૈયારીઓ કરે છે.

લોકવાયકા મુજબ મહાભારતના સમયથી અહીં મેરાયું પ્રગટાવાની પરંપરા ચાલી આવી છે. જે આજે પણ ગ્રામજનોએ દ્વારા જાળવી રાખવામાં આવી છે. જે પરંપરા હાથમાં મેરાયું લઇને તેલ પુરવાની છે, તે ધીરે ધીરે ભૂલી જવાઇ છે. પણ ડુંગર પર ચઢાણ કરીને પણ ગ્રામજનો આજે દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવા પહોંચી જાય છે. શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલા મેરાયુંનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઇ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં જોવા મળે છે. સમય બદલાતા, સંસ્કૃતિમાં પરિવર્ત આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગામડાએ એ સંસ્કતિનો વારસો આજે ટકાવી રાખ્યો છે, જે આપણને પૂર્વજોએ આપ્યો છે.

(4:22 pm IST)