Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ઇરાની ગેંગ લોકોને ઠગવા મેદાને પડી છે

ગેંગની પધ્ધતી અને તે સામે સાવચેત રહેવાના સચોટ ઉપાયો અકિલા સમક્ષ જુનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા વર્ણવે છે : ગંભીર ગુન્હા સમયે પણ કોઇ લોકોને પોલીસ દાગીના ઉતરાવતી નથી, પોલીસ જેવો ગેટ અપ ધારણ કરતી આ ટોળકી આવી રજુઆત કરે તો આસપાસથી લોકોને ભેગા કરી તુર્ત જ ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલને ફોન કરવો

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્રમાં દિપોત્સવીના માહોલ વચ્ચે સ્ટેટ આઇબી દ્વારા આતંકવાદી ગતિવિધિઓ  સામે સાવધાન રહેવા માટે રાજયભરની પોલીસને સતર્ક  કર્યા છે. પોલીસ તંત્રનો બહોળો અનુભવ ધરાવતા જુનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્રના લોકોને ઇરાની ગેંગથી સાવધ રહેવા માટે આ ગેંગની મોડસ ઓપરેન્ડી  વર્ણવી છે. રાજકોટના એસીપી એસ.આર. ટંડેલ ટીમ પણ લોકોને આ રીતે જ સાવધ કરી રહી છે.

ઇરાની ગેંગ સિવિલ ડ્રેસમાં, સાદા કપડામાં હોય છે, ટુંકા વાળ રાખી પોતાનો ગેટઅપ પોલીસને મળતો રાખે છે, મોટી ઉંમરના વૃધ્ધો, આધેડ વયના લોકો તથા મહિલાઓને પ્રથમ શિકાર બનાવે છે.

ઇરાની ગેંગ કોઇ વૃધ્ધ વ્યકિતને ટાગેંટ બનાવી અથવા મોટી ઉંમરના ઘરેણા પહેરેલા  મહિલાઓ સમક્ષ અચાનક પહોંચી 'તમારા ઘરેણા કાઢી રૂમાલમાં વીંટી દયો' પોતે પણ રૂમાલમાં મુકવાનો ડોળ કરી ઘરેણા સેરવી લ્યે છે. વૃધ્ધ વ્યકિત પાસે રહેલી થેલી પોતાના થેલામાં મુકાવી રફુચક્કર થઇ જાય છે. એટલી ઝડપે આ બધી પ્રક્રિયા થાય છે કે વિચારવાનો સમય જ રહેતો નથી.

પ્રદીપસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્યું હતું કે પોલીસ તરીકે કોઇ સિવિલ ડ્રેસમાં ઓળખ આપે તો  તેનું આઇ કાર્ડ માંગવું, આઇ કાર્ડ ન આપે તો તેના બાઇકનો અથવા સ્કુટરનો નંબર લઇ લેવો, શકમંદ જણાયે પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર પર ફોન કરી સંપર્ક કરવો. મોટી ઉંૅમરના વૃધ્ધા સાથે ઘરની વ્યકિતઓએ તેમને એકલા ન મોકલવા અને જરૂરીયાત પુરતા જ દાગીના પહેરવા. પ્રદીપસિંહ જાડેજાએ એક મહત્વની સ્પષ્ટતા  લોકોની જાણકારી માટે એ કરી કે ગમે તે જગ્યાએ ગમે તેવો ગંભીર ગુનો બને ત્યારે પણ પોલીસ દાગીના ઉતરાવતી નથી. આ બાબતનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય તે જરૂરી છે. કોઇ આવી રીતે માંગણી કરે તો તુર્ત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. આ શકય ન હોય તો ઘરેણા ઉતારવાની વાત કરે તો આજુબાજુના લોકોને ભેગા કરી શંકા દર્શાવવી, અન્ય લોકોની મદદથી પોલીસને જાણ કરવી.  આમ હાલમાં જે રીતે માસ્ક જ કોરોનાનો એક માત્ર ઉકેલ છે તેમ આવા લોકોથી બચવા માટે સાવધાની જ સૌથી મોટુ હથીયાર છે.

(11:35 am IST)