Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમદાવાદ : તિરુપતિ કપાસિયા તેલના સીલબંધ ડબ્બામાથી તેલ ઓછું હોવાની ફરિયાદ : તંત્રના દરોડા : વેપારીને 9 હજારનો દંડ ફટકારીને કેસ માંડવાળ કર્યો

ગ્રાહકે ફરિયાદ કરતા કાલુપુર ચોખા બજારમાં દરોડો : વેપારીએ ગુન્હો સ્વીકારતા પ્રથમ ગુન્હો માંડવાળ કરાયોઃ વેપારીએ 9 હજાર સરકારી તિજોરીમાં જમા કરાવ્યા

અમદાવાદ :  અગાઉ અદાણી વિલમર આધાર રિફાઇન્ડ સનફલાવર ઓઇલના ચાર ડબ્બામાં ઓછું તેલ હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં કાલુપુર ચોખા બજારમાં આવેલી મેહુલ કોર્પોરેશનમાંથી ખરીદેલા તિરુપતિ કપાસિયા તેલના ડબ્બામાં ઓછું તેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન તંત્રે દરોડા પાડ્યા હતા. જેમાં આ ફરિયાદ સાચી ઠરતા તંત્રે વેપારીને 9 હજાર રૂપિયા દંડ ફટકારીને કેસ માંડવાળ કર્યો હતો.

ફરિયાદી મહેશ મકવાણાએ ગ્રાહક પગલાં અને સુરક્ષા સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી કે. તેમણે કાલુપુર ચોખા બજારમાં આવેલી મેહુલ કોર્પોરેશનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 15 કિલોના સીલબંધ ડબ્બો ખરીદ્યો હતો. ડબ્બામાં ઓછું તેલ હોવાની બાદમાં જાણ થઇ હતી. ફરિયાદીએ ગ્રાહક પગલાં અને સુરક્ષા સમિતિ સમક્ષ તેલના ડબ્બાનું રૂપિયા 1690નું બિલ રજૂ કરીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ ગ્રાહક પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ હરકતમાં આવી ગયા હતા. તાત્કાલિક રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી.

કાનૂની માપ વિજ્ઞાન તંત્રના ઇન્સ્પેકટરો ભૂમિકા ગઢવી, હિરલ પટેલ, આર.આર. પટેલ સહિત ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સૂચિત્રા પાલ ઉપરોક્ત દુકાન પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સરકારી પ્રમાણિત ઇલેક્ટ્રોનિક વજન કાંટાથી વજન કરતા ડબ્બા સાથે 15,050 વજન માલુમ પડ્યું હતું. 840 ગ્રામ વજન ઓછું હોવાનો પર્દાફાશ થયો હતો. આથી સૂચિત્ર પાલે ફરિયાદીની ફરિયાદનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી. બાદમાં વેપારીએ ગુનો સ્વીકારી પ્રથમ ગુનો માંડવાળ તરીકે હોવાથી વેપારીએ 9 હજાર રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા.

આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ, અખિલ ભારતીયના પ્રમુખ મુકેશ પરીખે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને મુખ્યમંત્રીને પત્રો પાઠવીને સરકારને જણાવ્યું કે રસોઈ ગેસનું વજન જેમ સિલિન્ડર પર દર્શાવવામાં આવે છે તેજ રીતે પેકિંગના ડબ્બા પર વજન દર્શાવવાનો નિયમ ફરજીયાત અમલમાં મુકવો જોઈએ. આથી તોલમાપમાં છેતરપીંડી પર નિયંત્રણ આવે.

(10:38 am IST)