Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

લીંબડીમાં ભાજપની જીત બાદ કિરીટસિંહ રાણા રડી પડ્યા

અમે જીતની ઉજવણી નહીં કરીએ : કિરીટસિંહ રાણાઃ જે ઘટના બની તે મારા મિત્ર હતા, સર્વે જ્ઞાતિના પ્રેમી માણસ હતા, ભાજપમાં જ્ઞાતિ કે સમાજનું કોઇ સમિકરણ નથી

ગાંધીનગર,તા.૧૧: લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ચૂંટણી જીતી ગયા છે. પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટસિંહને એટલી લીડ મળી છે કે તેમની જીત નિશ્યિત છે. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા રડી પડ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, અમે જીતની કોઇ ઉજવણી નહીં કરીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસના કામો કરવાના છે. ઉજવણી નથી કરવાના કારણ કે, જે ઘટના બની છે તે મારા મિત્ર પણ હતા અને સર્વે જ્ઞાતિના પ્રેમી માણસ પણ હતા. ભારતીય જનતા પાર્ટીમાં કોઇ જ્ઞાતિ કે સમાજનું કોઇ સમિકરણ નથી હોતુ. તે દલિત સમાજનાં હોવા છતાંપણ અમારા જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ હતા અને હજી લીંબડી તાલુકાનાં પ્રમુખ કિરપાલભાઇ હજી લાપતા છે. તો અમે કોઇ સરઘસ પણ નથી કાઢવાના કે રંગ પણ નથી ઉડાડવાના કોઇજાતની ઉજવણી નથી કરવાના. મારો કાર્યકર્તા મારો ભાઇ ગૂમ થયો છે. મને મારો પાર્ટનર અને સંનિષ્ઠ કાર્યકર્તા ગૂમાવ્યાનું ઘણું દુખ છે.

તેથી અમે કોઇ ઉજવણી નથી કરવાના. મહત્વનું છે કે, બદ્રીનાથ હાઈવે પર શનિવારે ટૈયા પુલ નજીક મોટી દુર્ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલ ભાજપના ત્રણ યુવકો અને એક ડ્રાઇવરને અકસ્માત નડ્યો હતો. જોશીમઠથી ૧૫ કિલોમીટર આગળ બદ્રીનાથ તરફ જઇ રહેલી એક ઇનોવા કાર બેકાબૂ થઇને ૨૦૦ મીટર ઊંડી અલકનંદા નદીમાં ખાબકી. આ દુર્ધટનામાં એક વ્યકિતનું મોત થયું છે અને એક વ્યકિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જયારે અન્ય ૨ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.

(10:13 am IST)