Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આણંદના ભાલેજ રોડ પર રાત્રીના સુમારે મોબાઈલ લઇ લેવાની બાબતે ઠપકો આપવા ગયેલ બે યુવાનો પર છરીથી જીવલેણ હુમલો : એકનું કમકમાટીભર્યું મૃત્યુ: એકની હાલત ગંભીર

આણંદ: શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી ડો. મહેન્દ્ર શાહની હોસ્પિટલ સામેના એન. એસ. સર્કલ પાસે ગઈકાલે રાત્રીના સુમારે મોબાઈલ લઈ લેવાની બાબતે ઠપકો આપવા ગયેલા બે યુવાનો ઉપર છરીથી હુમલો કરીને એકની હત્યા તથા બીજાને ઈજાઓ પહોંચાડતા સમગ્ર આણંદ શહેરમાં ચરચાર મચી જવા પામી છે. શહેર પોલીસે આ અંગે હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચારેય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની આઈ. કે. પાર્ક સોસાયટીમાં રહેતો અને ચાંગા ખાતે બીસીએનો અભ્યાસ કરતો મૈત્રીક આશીષભાઈ પટેલ ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે નવા બસસ્ટેન્ડ પાસે પોતાના મિત્રો વિકો રાવલ, જીમી ભાટીયા, શશાંક રાજેશભાઈ ભાટીયાને મળ્યો હતો. જ્યાં તેમના મિત્ર ચિમન પ્રજાપતિનો મોબાઈલ ફોન પંકજ વડાપાંઉવાળાનો ભાઈ લઈ ગયેલો હોવાની વાત થઈ હતી. જેથી રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે મૈત્રીક તથા શશાંક ભાટીયા એક્ટીવા લઈને એન. એસ. સર્કલ પાસે બોમ્બે ટેસ્ટી વડાપાંઉની લારીએ આવ્યા હતા. જ્યાં પંકજનો ભાઈ નિલેષ તથા તેના પિતા ખુમાનજી હાજર હતા. શશાંકે નિલેષને પુછ્યું હતુ કે, ચીમન પ્રજાપતિનો મોબાઈલ ફોન લઈને પાછો આપી દીધો હતો તેમાં શું વાત હતી. આટલું પુછતા જ નિલેષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પાંઉ કાપવાની ધારધાર છરી લઈને શશાંક પર તુટી પડ્યો હતો. છરીનો એક જોરદાર ઘા છાતીમાં મારી દેતાં લોહીની છોળો ઉડી હતી. ત્યારબાદ બીજા બે ઘા પણ મારી દીધા હતા.

(6:00 pm IST)