Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મહેસાણા જિલ્લામાં ખનન માફિયાઓએ માઝા મૂકી: કલેક્ટરની સૂચનાથી મામલતદારોની ટીમોએ નદીના પટમાં તપાસ હાથ ધરી માટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું

મહેસાણા:જિલ્લામાં ખનન માફીયાઓએ માજા મુકી છે અને બેફામપણે નદી હોય કે ગૌચરમાંથી ખનિજ માટીની ચોરી થઈ રહી છે. પંથકમાં વધેલી ફરિયાદો પગલે મહેસાણા કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ વિભાગ મહેસાણા તેમજ મામલતદારની ટીમોએ તાલુકાના પાલોદર ગામની સીમમાં રૃપેણ નદીના પટમાં તપાસ હાથ ધરી હતી. અહીં તપાસ દરમિયાન સાદી માટી ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેમાં ખાણ ખનિજ વિભાગે ચાર ટ્રક ઝડપી હતી. આ ટ્રકના ચાલક તેમજ તેના માલીક સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

મહેસાણા કલેક્ટર એચ. કે. પટેલની સુચનાથી મહેસાણા ગ્રામ્ય મામલતદાર નરેન્દ્ર રાજગોર તેમજ મહેસાણા ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર અરવિંદ કાનજીભાઈ ઠાકોર સહિતની સંયુક્ત ટીમોએ ગતરોજ પાલોદર ગામની સીમમાં રૃપેણ નદીના પટમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પાલોદર બુટ્ટાપાલડી રોડ પર એક ટ્રક સાદી માટી ખનિજ  ભરવા જતા ખાલી ટ્રક પકડવામાં આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા રૃપેણ નદીના પટમાંથી સાદી રેતી ભરેલી બે ટ્રક ઝડપી લેવામાં આવી હતી. સદર રેતી રૃપેણ નદી પટમાંથી ભરવામાં આવી હતી. આ રેતી એક જેસીબી મશીન દ્વારા ભરવામાં આવતી હતી. પરંતુ ટીમ તપાસ અર્થે પહોંચે તે પુર્વે જ જેસીબી મશીનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત એક વધુ ટ્રક પણ ઝડપવામાં આવી હતી.

(5:56 pm IST)