Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મહેસાણા જિલ્લામાં 682 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ચણાની દાળનો જથ્થો સગેવગે થયો: 25 હજારથી વધારે લાભાર્થીઓ તહેવાર ટાઈમે વસ્તુથી વંચિત રહ્યા

ઊંઝા: સહિત મહેસાણા જિલ્લામાં ૬૮૨ જેટલી રાશન દુકાનો પૈકી ૭૭ દુકાનોમાં દેવ દિવાળી આવી છતાં લાભાર્થીઓને ચણાનો જથ્થો ઉપલબ્ધ નહિ કરાવતાં જિલ્લાના ૨૫૦૦૦ ઉપરાંત લાભાર્થીઓ દિવાળી ટાણે ચણાના જથ્થાથી વંચિત રહેતાં દુકાનદારો અને ડિલરો વચ્ચે ઘર્ષણ વધી રહ્યા છે.

આ સંદર્ભે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝા સહિત સમગ્ર મહેસાણામાં રાશન ડિલરોને કાર્ડદિઠ એક કિલો ચણાની દાળનું વિતરણ કરવા સરકારે જથ્થો પુરો પાડયો હતો. પરંતુ જિલ્લાના ૭૭ જેટલા રાશન ડિલરોએ નેટ બેકીંગથી કરેલું પેમેન્ટ કેટલીક ટેકનીકલ સરકારી ખામીને કારણે નાણાં જમા નહિ થતાં સરકારે ૭૭ ડિલરોનો ચણાનો જથ્થાની ફાળવણી અટકાવી દીધી હતી. જેને લઈને ૭૭ સિવાય બાકીના રાશન ડિલરોની દુકાને ચણાનો જથ્થો મળતો હતો. જ્યારે ૭૭ રાશન દુકાનોમાં ચણાનો જથ્થો નહિ મળતાં ગ્રાહકો અને રાશન ડિલરો વચ્ચે દિવાળી ટાણે ઘર્ષણ થવાના અનેક બનાવ ઉભા થયા છે. આ બાબતે રાશન ડિલરોએ એસોસિએશન મારફતે સરકારી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા અને નેટબેકીંગથી પેમેન્ટ કર્યાના પુરાવા આપવા છતાં સરકારે રાશન ડિલરોની આંખ જરા પણ શરમ રાખ્યા વિના ચણાની ફાળવણી અટકાવી દીધી હતી. જેને લઈને ૭૭ રાશન દુકાનોના ૨૫૦૦૦ ઉપરાંત લાભાર્થીઓ દિવાળી ટાણે ચણાની દાળથી વંચિત રહ્યા હતા. અને જે તે જથ્થો હવે દેવ દિવાળી આવી છતાં નહિ મળતાં લાભાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાશન ડિલરો વર્તુળોમાં પણ સરકારની નીતિને કારણે અસંતોષનો માહોલ પ્રવર્તી રહ્યો છે. વગર વાંકે દંડાઈ રહ્યાનો રાશન ડિલરો અહેસાસ કરી રહ્યા છે.

(5:55 pm IST)