Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અયોધ્યામાં બનનારા શ્રીરામ મંદિર જેવા મંદિરનું વલસાડના ભાગડાવડામાં નિર્માણ કાર્ય

વલસાડ :સુપ્રિમ કોર્ટ દ્વારા અયોધ્યા રામ મંદિરનો ચુકાદો જાહેર થતાં વલસાડના ભાગડાવડામાં નિર્માણાધિન રામ મંદિર ચર્ચામાં આવ્યું છે. ભાગડાવડામાં 350 વર્ષ પૂરાણાં પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રૂ.10 કરોડના ખર્ચે ટ્રસ્ટી મંડળ દ્વારા ભવ્ય મંદિર બનાવવા પાછળ અત્યાર સુધી રૂ.3 કરોડનો ખર્ચ થઇ ગયો છે. કરોડોના ખર્ચે વલસાડમાં તૈયાર થઈ રહેલા અયોધ્યા જેવા રામ મંદિર વિશે જાણીએ...

               અયોધ્યામાં રામ મંદિર બાબતે ચાલેલા વિવાદ દરમિયાન રામ મંદિરનું વ્ય મોડેલ તૈયાર કરાયું હતું. જેને ધ્યાને લઇ 2015માં મોડેલની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી વલસાડના ભાગડાવડામાં દાતાઓના સહયોગથી પ્રાચીન રામજી મંદિરના પૂન: નિર્માણ કરવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો હતો અને તેનુ કામ ચાલુ કરી દીધું હતું. મંદિર પાછળ 15 હજાર ઘનફૂટ પત્થરની શિલા સહિત કુલ રૂ.10 કરોડનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. કોસંબા રોડ પર ભાગડાવડામાં અયોધ્યા જેવા રામ મંદિરના મોડેલની અદ્દલ પ્રતિકૃતિ ધરાવતું રામજી મંદિર બનાવવા પાછળ રૂ.3 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. અહીં 4 વર્ષથી મંદિરનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 40 ટકા કામ પૂર્ણ થયું છે અને હજી 60 ટકા બાકીનું કામ આગળ ધપી રહ્યું છે. ત્યારે લોકો પણ વલસાડમાં બની રહેલ રામજી મંદિરમાં આવી શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

              મંદિરના ટ્રસ્ટી મગનભાઈ ટંડેલે જણાવ્યું કે, વલસાડના ભાગડાવડામાં 350 વર્ષનું પ્રાચીન રામજી મંદિર અયોધ્યાના રામ મંદિર જેવા મોડેલ મુજબ નાની પ્રતિકૃતિ સાથે બનાવવામાં આવી રહ્યું છે. 10 કરોડના ખર્ચ સાથે ગામના અને બહારના દાતાઓના યોગદાનથી તેનું નિર્માણ થઇ રહ્યું છે. નવું અયોધ્યા-રામ મંદિર ભાગડાવડામાં તૈયાર થઇ રહ્યું છે.

              વલસાડના લોકો પણ હવે કહી રહ્યાં છે કે, અયોધ્યા ખાતે બનનાર મંદિર સાથે તેઓને જેવી શ્રદ્ધા છે, તેવી શ્રદ્ધા મંદિર સાથે પણ છે. અયોધ્યા સુધી ભલે જવાય, પણ શ્રદ્ધાળુઓ વલસાડના રામજી મંદિરમાં આવીને અયોધ્યા જેટલી ધન્યતા અનુભવે છે.

(5:03 pm IST)