Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શાંતિ જાળવવા પોલીસે આજ પરોઢ સુધી કરેલ કાર્યવાહીની જાણવા જેવી વાતો

રામ મંદિરનો ચૂકાદા બાદ ઇદનો તહેવાર શાંતિથી પુર્ણ થતા રાજય પોલીસ તંત્રના ડીજીપીથી લઇ પોલીસ તંત્રએ હાશકારો લીધોઃ પોલીસની રજાઓ પરનો પ્રતિબંધ હટયોઃ વડોદરામાં સાયબર તજજ્ઞોની ર૦ સભ્યોની ટીમની રચનાથી આંતરરાષ્ટ્રીય સંગઠનના હોદેદાર સહિત ૧૭ ને વિવાદાસ્પદ પોસ્ટ મુકવાનું ભારે પડયું: અમદાવાદમાં જુહાપુરા, દરીયાપુર સહીતના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરીદળોના ધાડાઃ આશિષ ભાટીયાએ ડાભુરીયાઓને વીણાવી વીણાવીને જેલ ભેગા કર્યાઃ સુરતમાં પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ સાથે પરામર્શ કર્યા બાદ એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણા કમાન્ડો રેપીડ એકશન ફોર્સ સાથે જાતે મોરચો સંભાળ્યોઃ શહેર પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલ અને એસીપી શ્રી સરવૈયા સતત પેટ્રોલીંગમાં રહયાઃ રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ફુટ પેટ્રોલીંગ કરી જડબેસલાક બંદોબસ્ત જાળવ્યો

રાજકોટ, તા., ૧૧: રામમંદિરના ચુકાદા સંદર્ભે અને યોગાનુયોગ ઇદના તહેવારો હોવા છતા બધુ શાંતિથી પુર્ણ થઇ જતા રાજય પોલીસ તંત્રએ હાશકારો લઇ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ તંત્રની રજા ઉપર મુકેલ પ્રતિબંધ દુર કરી નાખ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અર્ધલશ્કરી દળોના ધાડા ઉતારવા સાથે સોશ્યલ મીડીયા પર પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા, અનુપમસિંહ ગેહલોત, આર.બી.બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા ટીમ દ્વારા સંવેદનશીલ મથકોમાં આજ પરોઢ સુધી જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવેલ. 

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો જુહાપુરા,  દરીયાપુર, સરખેજ, શાહપુર, કાલુપુર સહીતના વિસ્તારોમાં એસઆરપીની કંપનીઓ ઉતારવા સાથે રેપીેડ એકશન ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના ચોપડે ચડેલા ડાભુરીયાઓનેે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હોટલો અને ગેસ્ટહાઉસોમાં પણ કડક ચેકીંગ રાખવામાં આવ્યાનું પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.  ફાયરબ્રિગેડ સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી હતી.

સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાએ જાતે મોરચો સંભાળ્યો હતો. અર્ધ લશ્કરી દળો સાથે કમાન્ડો અને ક્રાઇમ બ્રાન્ચ ટીમે સતત ગત મોડી રાત સુધી પેટ્રોલીંગ કરી કોઇ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે સતત કાળજી રાખી હતી. રાજકોટમાં પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ ડીસીપી  મનોહરસિંહ જાડેજા સતત દોડતા રહયા હતા. અસામાજીક તત્વોની હામ ભાંગી જાય તે રીતે અસરકારક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વડોદરાની વાત કરીએ તો વડોદરાનો સંવેદનશીલ મીજાજ અને ભુતકાળમાં બીન લાદેનના પોસ્ટરો સાથે એક યુગમાં દેખાવકારો  નિકળેલા તે બાબત ધ્યાને લઇ અનુપમસિંહ ગેહલોત જાતે જ ઉચ્ચ અધિકારીઓ તથા સ્ટાફ સાથે સતત પેટ્રોલીંગમાં હાજર રહયા  હતા.

વાત આટલેથી જ નથી અટકતી ર૦ સભ્યોની સાયબર ક્રાઇમની એક સ્પેશ્યલ ટીમ પોલીસ કમિશ્નરે બનાવી હતી. શુક્રવાર રાતથી જ આ ટીમ સતત સોશ્યલ મીડીયા પર નજર રાખી રહયા હતા. આ દરમિયાન ૧૭ જેટલા લોકો કે જેમાં એક આંતરરાષ્ટ્રીય સંગઠનના હોદેદારનો સમાવેશ થાય છે તેમની પોસ્ટો વાંધાજનક જણાતા જ ક્રાઇમ બ્રાન્ચે તાકીદનું તેડુ પોલીસ કમિશ્નરની સુચનાથી આપેલ. શિવસેનાના કાર્યકરોએ મંદિરમાં સમુહ આરતી રાખી હોવાથી તેઓને પણ પોલીસ કમિશ્નરે બોલાવી તેઓના કાર્યક્રમોની અપડેટ મેળવી હતી. પોલીસની આવી આકરી કાર્યવાહી જોઇ ઘણા હિસ્ટ્રીશીટરોએ વોટસએપ કે ફેસબુક જ નહી પોતાના મોબાઇલો પણ સ્વીચઓફ કરી નાખ્યા હતા. નવાઇની વાત એ છે કે ઉશ્કેરણીજનક પોસ્ટ મુકવાનો પ્રયાસ કરનારાઓએ પોલીસનો આકરો મિજાજ જોઇ શાંતીની અપીલ કરતી પોસ્ટો મુકી દીધી હતી.

(12:54 pm IST)