Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વૃષપુર - બળદિયામાં મહોત્સવ સમાપને રાજરાજેશ્વર જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીનું શાહી સ્વાગત તથા પંચરત્ન તુલા :કચ્છના સંત અબજી બાપાશ્રી

જીવનપ્રાણ બાપાશ્રી નાનપણથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણની સાથે એકાત્મતાને સાધતા અને દિવ્ય સુખ ભોગવતા.

સાધુની વ્યાખ્યા આપણા શાસ્ત્રકારોએ આ રીતે કરી છે. સાધ્નોતિ સ્વપર કાર્યાળિ ઇતિ સાધુ. પોતાનું અને અન્યનું કાર્ય સિદ્ધ કરે તે સાધુ. દુન્યવી અપેક્ષા ટાળીને ભગવાનની ભક્તિમાં નિમગ્ન રહેવું એ સ્વકાર્ય સિદ્ધ કરતાં-કરતાં કેટલાય માણસોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે તે સાધુ. ભારતની ભૂમિ ઉપર એવાય સંતો છે કે જે સફેદ લૂગડાંમાં હોવા છતાંય વૈરાગ્યના અગ્નિથી સદા તેજાયમાન અને છતાંય ભક્તિસાગરમાં વિહાર કરી અનેક ભગવાધારી સંત કરતાંય ભગવદ્ સ્થિતિમાં ઉચ્ચત્તમ સ્થિતિને પ્રાપ્ત કરેલ છે જેમ કે રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ મહેતા આદિ. સફેદ વસ્ત્રમાં રહી કચ્છની ધરતીનાં ગામડે-ગામડે ફરી અનેકના જીવનને ભક્તિના રંગે રંગનાર સંત એટલે જીવનપ્રાણ બાપાશ્રી. જેમનું પ્રાગટ્ય કચ્છ - ભૂજ શહેરથી આશરે ૨૦ કિ.મી. દૂર આવેલા વૃષપુર ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે થયું હતું. આ વૃષપુર (બળદિયા)માં પાંચાભાઇ અને દેવુબા શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત હતાં. અબજીબાપાના જન્મની કથા આ પ્રમાણે જાણવા મળે છે. એક દિવસ દેવુબા ગામની પાસે આવેલ કૃષ્ણસરોવરે સ્નાન કરવા પધાર્યાં હતાં. સ્નાન કરીને બહાર આવ્યાં ત્યાં અચાનક તેજનો પુંજ જોવામાં આવ્યો અને તે તેજની મધ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં તેમને દર્શન થયાં અને ભગવાને પ્રસન્ન થઇને તેમને કહ્યું કે, બાઇ, તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું માટે વરદાન માગો. ત્યારે દેવુબાએ વરદાન માગ્યું કે, હે! નાથ તમ જેવો મને પુત્ર આપો. ત્યારે ભગવાને કહ્યું કે, અમ જેવા તો અમે એક જ છીએ, પરંતુ તમારી ઇચ્છા છે તો અમો અમારા સંકલ્પ સ્વરૂપે તમારે ત્યાં અમે પ્રગટ થઇશું અને અબ પ્રગટ થઇશું માટે તેમનું નામ ‘અબજી’ રાખજો. શ્રી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા અને દેવુબાને ત્યાં સંવત ૧૯૦૧ને કારતક સુદ-એકાદસીના રોજ પુત્રનું પ્રાગટ્ય થયું. આ પુત્ર એટલે જ શ્રીજીસંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રી. જીવનપ્રાણ બાપાશ્રી નાનપણથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણની સાથે એકાત્મતાને સાધતા અને દિવ્ય સુખ ભોગવતા. તેના કારણે તેમની પાસે જે આવતાં તેનાં દુ:ખ દારિદ્ર દૂર થઇ જતાં. હૃદયમાં રહેલા કામ, ક્રોધ આદિ શત્રુઓ નાશ પામી જતા. પછી તે ગમે તે જાતિના હોય, હિન્દુ હોય કે મુસલમાન, શીખ હોય કે પારસી હોય, ગરીબ હોય કે તવંગર હોય... જે કોઇ આવતા તેને બાપા સુખી કરતા. કારણ કે બાપા તો સર્વધર્મ સમભાવના પ્રવર્તક હતા. જે કાર્ય દવાથી થતું નથી તે કાર્ય દુઆથી થાય છે. આવા કરુણામૂર્તિ બાપાના અનેકાનેક પ્રસંગો જીવનપ્રાણ અબજીબાપાની વાતોમાં આલેખાયેલા છે. સંપ્રદાયમાં જીવનપ્રાણ બાપાની છાપ નિર્ભય ને સ્પષ્ટવક્તા તરીકેની હતી. તેઓ કોઇની પણ શેહશરમ રાખતા નહીં. સાધુ હોય કે આચાર્ય, બ્રહ્નચારી હોય કે ગૃહસ્થ સર્વેને તેઓ ધર્મમાં વર્તાવતા. સાધુ ત્યાગી થઇ પૈસા રાખતા કે આચાર્ય દેવની મિલકત પોતાની કરતા તો તેમને તેઓ અટકાવતા અને તે અટકાવવા માટે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાસભાની સ્થાપના કરી. જેથી તઓ આ યુગના ખરા ધર્મપ્રવર્તક છે. આ જીવનપ્રાણ બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે ‘વચનામૃત’ તેના ઉપર ‘રહસ્યાર્થ પ્રદીપિકાટીકા’ કરી છે. જેમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા અને જેવું છે તેવું મહાત્મ્ય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ ક્યા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. જીવનપ્રાણ બાપાએ આપેલ અદ્ભુત સિદ્ધાંતો અને તેમના જીવન કવનનું ‘કચ્છના સંત અબજી બાપા’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તક હોંગકોગના પાદરીના વાચવામાં આવ્યું અને તેઓ તેથી એટલા બધા પ્રભાવિત થયા કે, તેમણે આ પુસ્તકનો પ્રચાર થાય અને તેનો અનેકને લાભ મળે તેવા હેતુથી તેમણે અમદાવાદના ‘અખંડ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ને એક ચેક મોકલી આપ્યો અને એમાંથી પુસ્તકોની નકલો છપાવવા અરજ કરી અને પછી તે પ્રમાણે ‘ કચ્છના સંત અબજી બાપા ’ નામનું પુસ્તક ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આમ, બાપાશ્રીની જ્ઞાનસુવાસથી હોંગકોંગના પાદરી જેવા મહાનુભાવો પણ આકર્ષાયા છે. આવા કારણે સત્સંગના પ્રણેતા અને સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપ એવા જીવનપ્રાણ  અબજીબાપાશ્રીની કારતક સુદ-એકાદશીના શુભ દિને ૧૭૫મી પ્રાગટ્ય જયંતી - શતામૃત મહોત્સવના સમાપન અવસરે આપણે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને તેમના બતાવેલા સિદ્ધાંતોને અલમમાં મૂકી આપણા જીવનને ઉન્નત બનાવીએ અને મોક્ષ સાધી લઇએ એ જ અભ્યર્થના.

શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી તથા શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવના અંતિમ દિને - મૂર્ધન્ય દિને મહોત્સવના સમાપન પ્રસંગે રાજરાજેશ્વર જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીનું શાહી સ્વાગત અને પંચરત્ન, પુષ્પ, શ્રીફળ, રજત વગેરેથી તુલા કરવામાં આવી હતી. પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ મહોત્સવના સમાપન અવસરે સાડા ત્રણ ટન અર્થાત કે ૩૫૦૦ કિલો સુખડીનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવ્યો હતો. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા વગેરે મહાનુભાવો પણ આ અવસરે પંચરત્ન તુલાનાં દર્શન અને બાપાના આશીર્વાદ પામ્યા હતા. મહોત્સવ દરમિયાન સેવા કરનાર સંતો - ભક્તોનું યથા યોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પંચ દિનાત્મક અવિસ્મરણીય મહોત્સવનો દેશવિદેશના હજારો ભક્તોએ લાભ લીધો હતો.

 

(12:39 pm IST)