Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રિયલ એસ્ટેટ પ્રોજેકટ નોંધણીમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમેઃ અમરજીતસિંઘ

જમીન મકાન ક્ષેત્રે ગતિ સાથે પ્રગતિઃ પરિસંવાદને સંબોધતા રેરાના ચેરમેન

અમદાવાદમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાની શાખા દ્વારા યોજાયેલ પરિસંવાદ પ્રસંગે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી (રેરા)ના ચેરમેન શ્રી અમરજીતસિંઘે માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે અનિકેત તલાટી, વિકાસ જૈન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર તા.૧૧: ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટી ચેરમેન શ્રી અમરજિતસિંઘએ જણાવ્યું કે, રિયલ એસ્ટેટ (સ્થાવર મિલ્કત)પ્રોજેકટની નોંધણીમાં દેશભરમાં મહારાષ્ટ્ર પહેલા અને ગુજરાત બીજા ક્રમે છે, જે ગુજરાત માટે એક ગર્વ લેવા જેવી વાત છે.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની અમદાવાદ શાખા ખાતે આજે ગુજરેરા હેઠળ સી.એ.ની તકો, તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિષય પર સેમિનારનું આયોબજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટીના ચેરમેન શ્રી અમરજિતસિંઘે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમના હસ્તે રેરાના વિષય પરની બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

શ્રી અમરજિતસિંઘેે જણાવ્યું કે, આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં તકો રહેલી છે. ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિમાન્ડ છે, ત્યારે દરેક સી.એ.પોતાની ભૂમિકાઓ અને જવાબદારી પ્રમાણિક અને નિષ્ઠતાથી નિભાવવી જોઇએ.

 રેરા પ્રમાણે દરેક રાજ્યે પોતાની એપલેટ ટ્રીબ્યુનલ બનાવી છે, જે ગ્રાહક અને બિલ્ડર વચ્ચે થતા વિવાદનો ઝડપથી ઉકેલ લાવશે. રેરાનો હેતુ દેશભરમાં ડેવેલોપર્સ તેમજ રિયલ એસ્ટેટ એજન્ટોને આવરી લેવાનો છે.

રેરા રજિસ્ટ્રેશન માટે રજૂ થયેલી તમામ બાંધકામ સ્કીમ્સમાં બિલ્ડર્સ અને પ્રમોટર્સે વેચાણ માટેના એપાર્ટમેન્ટની સંખ્યા, એપાર્ટમેન્ટ્સના પ્રકારો તેમજ દરેક યુનિટના કાર્પેટ એરિયા પ્લાનમાં ફરજિયાત દર્શાવવા પડશે તેમ શ્રી અમરજીતસિંઘે જણાવ્યુ હતુ.

આ પ્રસંગે રેરાના નિયમો અને તેની લગતી વિગતોની પણ વિગતવાર માહિતી રેરા ચેરમેનશ્રીે ઉપસ્થિત લોકોને આપી હતી.

આ પ્રસંગે આઇ.સી.એ.આઇ.ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બરશ્રી સી.એ. અનિકેત તલાટી, રિઝનલ કાઉન્સિલ મેમ્બર સી.એ વિકાસ જૈન સહિત આઇ.સી.એ.આઇ.ની વિવિધ બ્રાન્ચના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)