Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

'વ્યાજખોરી'નું દુષણ ડામવા કાયદો સુધારવા તૈયારી

ચામડીતોડ વ્યાજ વસૂલનારાઓ ઉપર મૂકાશે અંકુશ

અમદાવાદ તા.૧૧: ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે વ્યાજખોરો અને વ્યાજખોરીને અંકુશમાં લેવા માટેના 'ગુજરાત મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧'ને અદ્યતન બનાવવા સુચનો માંગવામાં આવ્યા છે. આ  કાયદામાં સુધારો આવ્યા પછી વિતેલા પાંચ જ વર્ષમાં અમદાવાદમાં જ વ્યાજખોરો સામે ૧૦૦થી વધુ ગુના નોંધાઇ ચૂકયા છે. ખાસ કરીને લાઈસન્સ વગર નાણા ધિરધારનો ગેરકાયદે ધંધો કરી મન પડે તેટલુ વ્યાજ વસૂલતા તત્વો ઉપર અંકુશ મેળવવા માટે 'મનીલેન્ડર્સ એકટનો  નવો ડ્રાફટ' તૈયાર કરવા ગુજરાતના પોલીસ ઈન્સપેકટર્સ પાસે વિગતવાર કોમેન્ટસ આવી છે. જો કે, બે મહિના વિતી ગયા પછી ખૂબ જ ઓછા અધિકારીએ મનીલેન્ડર્સ એકટમાં સુધારા માટે પોતાના અભિપ્રાય મોકલ્યા હોવાનું સુત્રો કહે છે.

ગુજરાત મનીલેન્ડર્સ એકટ,૨૦૧૧માં સુધારા પસાર કરીને ગુજરાત સરકારે ખરડાની કેટલીક આકરી જોગવાઇઓને હળવી કરી હતી. ૨૦૧૧માં પસાર કરાયેલ મૂળ કાયદાની કલમ ૨૧પ્રમાણે નાણાં ધીરધાર કરનારે એકદમ યોગ્ય રીતે અને રોજેરોજની વિગતો સાથે હિસાબ રાખવા ફરજીયાત હતા. કેશબુક,લેજર, ગિરવે મૂકેલી વસ્તુઓ કે સંપતિની વિગતો તથા ઉછીના નાણાં લેનારા લોકોનું રજિસ્ટર રાખવુ ફરજિયાત બનાવાયુ હતુ. આ ઉપરાંત ધીરધાર કરનારે ચકાસણી માટે ઓરિજીનલ દસ્તાવેજો સક્ષમ  સત્તાવાળાને સોંપવા પણ ફરજીયાત બનાવાયા હતા.

કલમ ૨૨ પ્રમાણે ધીરધાર કરનારે વ્યાજ સહિત ચુકવાયેલી તથા બાકી રહેલી રકમની વિગતો વર્ષ પૂરૂ થાય તેના ૩૦ દિવસની અંદર નાણા વ્યાજે લેનારને આપવી ફરજિયાત હતી. આ કાયદાની કલમ ૪૩ પ્રમાણે આ જોગવાઇઓનુ પાલન નહી કરવા બદલ એક વર્ષ સુધીની જેલની સજા તથા રૂપિયા ૧૦ હજાર સુધીના દંડની જોગવાઇ પણ હતી. આવા સુધારા પછી પણ ગેરકાયદે નાણાં ધીરતા 'વ્યાજખોરો' નિરંકુશ રહેતા  ગુજરાત સરકારે મનીલેન્ડર્સ એકટને વધુ કડક બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

(9:47 pm IST)