Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

'સ્માર્ટ સીટી’ વડોદરાના યશ બેન્કમાંથી ૩૧૦ કરોડ હવે બેન્ક ઓફ બરોડામાં ટ્રાન્સફર

સરકારની યાદીમાં બાકાત થયેલી બેન્કમાં નાણાં મૂકવા બાબતે સવાલ ઉભા થતા સરકારે પરિપત્ર બહાર પાડતા લવાયો નિર્ણંય

વડોદરા : ગુજરાત સરકાર દ્વારા માન્ય બેન્કોની યાદીમાં સમાવિષ્ઠ ન હતી તે યસ બેન્કમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સીટીના એકાઉન્ટમાં ૩૧૦ કરોડના ફંડને આખરે અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, તેમ છતાં વીએમસી દ્વારા આ ફંડ રહેવા દેવામાં આવતાં તે બાબતે વિવાદ ઉભો થયો હતો. 
દેશભરના સ્માર્ટ સીટીમાં સમાવિષ્ઠ વડોદરાનુ સ્માર્ટ સીટીનું બેન્ક એકાઉન્ટ યશ બેન્કમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવ્યુ છે. આ દરમિયાન ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા બેન્ક ગેરેન્ટીના મામલે માન્ય બેન્કોની યાદી બનાવવામાં આવી છે. જેમાં તમામ રાષ્ટ્રિય કૃત બેન્ક તથા પંદર બેન્કનો સમાવેશ થાય છે. જેમાં યસ બેન્કનો સમાવેશ થતો ન હતો. તેમ છતાં વીએમસીના જવાબદાર અધિકારીઓ દ્વારા યસ બેન્કમાં સ્માર્ટ સીટીનું ખાતુ રાખવામાં આવ્યુ હતુ. જેમાં રૂપિયા ૩૧૦ કરોડનું ફંડ હતુ. 
આ સંજોગોમાં વડોદરાના જાગૃત અગ્રણી ડો. જ્યોતિર્નાથજીએ કમિશ્નર નલીન ઉપાધ્યાયને પત્ર લખીને વાકેફ કર્યા હતા. સરકારની યાદીમાં બાકાત થયેલી બેન્કમાં નાણાં મૂકવા બાબતે સવાલ ઉભા કર્યો હતા. આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં લઇને યસ બેન્કમાંથી ૩૧૦ કરોડ બેન્ક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(7:30 pm IST)