Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

તમને જેલમાં કેમ ન મોકલવા જોઈએ ?: સુરત મ્યુનિ,કમિશ્નર વિરુદ્ધ કંટેમ્પટ ઓફ કોર્ટ નોટિસ ઈસ્યુ

ઇમારતો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટનો હુકમ છતાં કામગીરી નહીં કરતા નોટિસ ફટકારાઇ

: સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ અને સુરત એરપોર્ટની રનવેના સામેના ભાગમાં બનાવવામાં આવેલ ધ ઇવેલ્યુશન તેમજ હેપ્પી ગ્લોરિયસ નામની હાઇરાઈઝ ઇમારતોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા 2017, 2018 અને 2019માં કરવામાં આવેલ એરો નોટીકલ સરવે મુજબ ધ ઇવેલ્યુશન અપાર્ટમેન્ટ 13.30 મીટર અને હેપ્પી ગ્લોરિયસ માં 9 મીટર ઊંચાઈમાં અવરોધની નોટીસ ફટકારવામાં આવેલ હતી.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ NOC આ નોટીસ પછી આપો આપ કેન્સલ થઇ જતા સુરત મહાનગર પાલિકા તરફથી BUC આપવા માટે ઇન્કાર કરી દેવામાં આવેલ હતો. આ બંને ઇમારતોના ફ્લેટો વેચાઈ ગયેલ હોવાથી બિલ્ડર દ્વારા તમામ ફ્લેટ ધારકોને તાત્કાલિક રેહવા માટે દબાણ કરી વસવાટ ચાલુ કરી દેવામાં આવ્યો. જેના અનુસંધાને આર.ટી.આઇ. એકટીવિસ્ટ વિશ્વાસ બામ્બૂરકાર દ્વારા બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ સુરત એરપોર્ટ તરફથી વિમાન અવર-જવરમાં અડચણ ની ફરિયાદ સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીને લેખિત રજુઆત કરવામાં આવેલ હતી.

પરંતુ કમિશનર તરફથી કોઈ પગલાં ના લેવાતા વિશ્વાસ બામ્બૂરકાર દ્વારા હાઇકોર્ટમાં કમિશ્નર સુરત મહાનગરપાલિકાને દોષી બનાવી પિટિશન કરી હતી. જેના આધારે 4 અઠવાડિયામાં ધ ઇવેલ્યુશન તેમજ હેપ્પી ગ્લોરિયસ નામની હાઇરાઈઝ ઇમારતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશ્નરને હુકમ કરવામાં આવ્યો. જોકે 4 અઠવાડિયામાં કોઈ કામગીરી ના હાથ ધરતા હાઇકોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશ્નર વિરુદ્ધ કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ઈસ્યુ કરીને પૂછવામાં આવ્યુ હતુ કે, 'તમને જેલમાં કેમ ન મોકલવા જોઈએ , ઉપરોક્ત મુજબ તમારા દ્વારા થયેલ તિરસ્કારભર્યા વર્તન માટે તમને દંડ/કાર્યવાહી કેમ ના કરવી જોઈએ અને વ્યક્તિગત રૂપે દરેક મુદતે હાજર થવા માટે આદેશ કેમ ના કરવો એનું કારણ દર્શાવાનું રહેશે. આ કેસની વધુ સુનાવણી 9 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

(8:40 am IST)