Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

તરછોડાયેલા શિવાંશને ઓઢવ શિશુગૃહમાં રાખવામાં આવશે

પેથાપુરના તરછોડાયેલા બાળક આશ્રય માટે વ્યવસ્થા : હિનાના પરિવાર કે સચિનના પરિવાર દ્વારા તેને સ્વિકારમાં નહીં આવે ત્યાં સુધી બાળકને અહીં જ રાખવામાં આવશે

અમદાવાદ,  તા.૧૧ : પેથાપુરમાં તરછોડાયેલું બાળક (શિવાંશ) વડોદરાવાળા ઘરમાં હતું ત્યારે જ સચિન દીક્ષિતે તેની માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યા કરી નાખી હતી. આ પછી સચિન તેના કથિત દીકરાને લઈને ગાંધીનગર પહોંચ્યો હતો અને પેથાપુરમાં ગૌશાળા પાસે તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. આજે સચિન તે બાળકનો પિતા છે કે નહીં તેના પુરાવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. હાલ માતાની છત્રછાયા ગુમાવનારા બાળકને અમદાવાદના શિશુગૃહમાં રાખવામાં આવ્યું છે અને રિપોર્ટ્સ એવા છે કે હિનાના પરિવાર કે સચિનના પરિવાર દ્વારા તેને સ્વિકારમાં નહીં આવે ત્યાં સુધી તેને અહીં જ રાખીને તેની સારસંભાળ રાખવામાં આવશે. માતાની છત્રછાયા ગુમાવી અને કહેવાતા પિતાને જેલમાં જવાનો વારો આવ્યો છે ત્યારે બાળકનું શું થશે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ બાળકને ઓઢવમાં આવેલા શિશુગૃહમાં રાખવામાં આવ્યું છે.

        માતાના મૃત્યુના સમાચાર આવ્યા બાદ તેને ગાંધીનગરથી ઓઢવમાં આવેલા શિશુગૃહમાં લાવવામાં આવ્યો હતો. પેથાપુરથી બાળક મળ્યા બાદ તેને અલગ-અલગ લોકો મળવા માટે આવ્યા હતા આવામાં બાળકના માનસ પર કોઈ પડી હોઈ શકે છે પરંતુ હવે તેની ઓઢવના શિશુગૃહમાં તમામ પ્રકારની કાળજી રાખવામાં આવશે જેમાં તેની માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેની કાળજી રાખવામાં આવશે. હવે બાળકના પરિવારજનો તેને સ્વિકારે નહીં ત્યાં સુધી તેને અહીં જ રાખવામાં  આવશે. એવા પણ રિપોર્ટ્સ છે કે બાળકની ઉંમર ૧૦ મહિના જેટલી છે અને માતાના પ્રેમ સાથે ઉછર્યો અને અચાનક તેની છત્રછાયા ગુમાવી છે ત્યારે તેને શિશુગૃહમાં તેના માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેને ઘર જેવું વાતાવરણ, પ્રેમ અને હૂંફ મળી રહે.

મહત્વનું છે કે બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું તે પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મહિલા કોર્પોરેટર સહિતના લોકો પહોંચ્યા હતા. આવામાં બાળકને શિશુગૃહમાં બાળકને સારી સુવિધા મળે તેવી તમામ કાળજી રાખવામાં આવી રહી છે. બીજી તરફ આજે ગાંધીનગર અને વડોદરા પોલીસે સચિન દીક્ષિત સામે નોંધેલા ગુનામાં વધારે તપાસ કરવામાં આવશે. જેમાં આજે સચિનને ગાંધીનગર પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે અને જે બાદ તેને બનાવના સ્થળે લઈ જઈને ઊંડી તપાસ અને હિના સાથેના તેના સંબંધ સહિતની વિગતો મેળવી શકાય. બીજી તરફ ગાંધીનગર પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હત્યા કેસમાં સચિનની વડોદરા પોલીસ ધરપરડ કરશે અને વડોદરાવાળા ઘરે લઈને જઈ શકે છે. આ પછી અહીં સચિનને સાથે રાખીને સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી શકે છે, જેથી વધારે વિગતો મેળવીને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકાય.

(8:50 pm IST)