Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ડમ્પરની ટક્કરે એક્ટિવા પર સવાર ત્રણ જણાનાં મોત

બાધા પૂરી કરીને પાછા ફરી રહ્યા હતા : નડિયાદ ભૂમેલ ઓવરબ્રિજની ઘટના, ડમ્પર ચાલક ફરાર

નડિયાદ,  તા.૧૧ : નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને શ્રદ્ધાળુઓ બાધા પૂરી કરવા કે દર્શન માટે જતા હોય છે. એ સમયે અકસ્માત થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે નડિયાદમાંથી પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાધા પૂરી કરીને એક્ટિવા પર પરત ફરી રહેલાં લોકોને ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આણંદના મંગળપુરામાં રહેતા રાજેશભાઈ ચાવડા તેમના પુત્ર અનિકેત અને સગા મહેશભાઈ ગોહેલ ભૂમેલ ખાતે એક સમાજીક પ્રસંગમાં ગયા હતા. પ્રસંગમાં હાજરી આપી બાધા પૂરી કરીને ત્રણેય લોકો એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ ભૂમેલ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા એક ડમ્પરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

એક્ટિવાને જોરદાર ટક્કર માર્યા બાદ તમામ લોકો નીચે પટકાયા હતા અને ઘસડાયા હતા. જેમાં રાજેશભાઈ અને તેમના પુત્ર અનિકેતનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના સગા મહેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ લોકોના જીવ બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા. બાદમાં તેઓેએ ૧૦૮ અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી. ઈજાગ્રસ્ત મહેશભાઈને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતા અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈનું કરૂણ મોત થયુ હતુ. જો કે, અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચલાક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો નાસી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:49 pm IST)