Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગ્રામ્ય સ્તરે વધતા કોરોનાના કેસોથી તંત્રની ચિંતા વધી

છેલ્લા ૫ દિવસના આંકડા આંખો ઉઘાડનારા : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કોર્પોરેશનની તુલનાએ વલસાડ અને જિલ્લા સ્તરે કોરોનાના કેસ વધારે

અમદાવાદ,  તા.૧૧ : ગુજરાતમાં ૨૦૨૦ માં કડક લોકડાઉનમાંથી પસાર થઇ ચુકેલા લોકો ને રાહત આપવા માટે દિવાળીમાં છુટછાટ આપવામાં આવી હતી. જો કે આ રાહત પછીથી ગુજરાતને ખુબ જ મોંઘી પડી હતી.

બીજી લહેર દિવાળી બાદ જ શરૂ થઇ હતી અને ત્યાર બાદ જે સ્થિતિનું સર્જન થયું તેના સાક્ષી આપણે તમામ લોકો છીએ. જો કે આ વખતે આની શરૂઆત નવરાત્રીથી થઇ હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની બીજી લહેર હાલ શાંત પડી છે જેના પગલે સરકાર દ્વારા મોટા ભાગના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. જેટલા નિયમો રાખવામાં આવ્યા છે તેમાં પણ ખુબ જ ઢીલાશ વર્તવામાં આવી રહી છે.

નવરાત્રીમાં મોટા આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો કે સોસાયટી સ્તરે ૪૦૦ લોકોની છુટ આપવામાં આવી છે. જો કે આ ૪૦૦ લોકો પણ વેક્સિન સર્ટિફિકેટ સાથે હોવા જોઇએ તેવો નિયમ બનાવાયો છે, જો કે દારૂબંધીની જેમ આ નિયમનું પાલન કેટલું કડકાઇથી થાય છે તે દરેક લોકો જાણે છે. તેવામાં કોરોના કેસ સિંગલ ડિઝિટમાં આવી ગયા હતા તે ફરી એકવાર ડબલ ડિજિટમાં થઇ રહ્યા છે અને ઝડપથી વધી પણ રહ્યા છે. ત્રીજી વેવ અંગે જે પ્રકારની આગાહી છે તે જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારો અને ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યા છે.

છેલ્લા બે દિવસ દરમિયાન આવેલા કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશન, સુરત, વડોદરા અને રાજકોટ કોર્પોરેશનની તુલનાએ વલસાડ અને જિલ્લા સ્તરે કોરોનાના કેસ વધારે સામે આવ્યા છે. ૮ તારીખના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં એક પણ કેસ નથી તો સામે વલસાડમાં સૌથી મોટો કોરોનાનો આંકડો છે. તેવામાં ત્રીજી લહેર અને તે પણ ગ્રામ્ય સ્તરે આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહી. કારણ કે હવે દિવાળી નજીકમાં છે તેવામાં ફરી એકવાર લોકો શહેરી વિસ્તારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડશે.

ગત્ત વર્ષે પણ અમદાવાદના ભદ્રમાં કોરોનાના ડર છતા પણ જે પ્રકારે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં હતા જે ખુબ જ ઘાતક સાબિત થયું હતું.

(8:48 pm IST)